ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ઝડપથી બદલાઈ રહી છે અને દર્શકોને કંઈક નવું અને અનોખું આપવા માટે મેકર્સ સતત નવા પ્રયોગો કરી રહ્યા છે. તાજેતરમાં બે ફિલ્મોની જાહેરાત થઈ છે, જે દર્શાવે છે કે ગુજરાતી સિનેમા હવે પરંપરાગત સ્ટોરીથી આગળ વધીને નવા જર્નર અજમાવી રહ્યો છે. એક તરફ મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મ ‘ડમરુ’ છે, તો બીજી તરફ ‘એ… આ’યું!!!’ નામની ગુજરાતીની પહેલી ‘ક્રિએચર કોમેડી’ ફિલ્મ છે. સૌથી ખાસ વાત એ છે કે ‘એ…આ’યું!!!’ ગુજરાતી સિનેમામાં એકદમ નવો જ પ્રયોગ છે. અત્યાર સુધી અહીં પરિવારિક ડ્રામા, રોમાન્સ અથવા હળવી કોમેડી ફિલ્મો જ વધુ જોવા મળતી હતી, પરંતુ હવે ‘ક્રિએચર કોમેડી’ જેવી અનોખી થીમ રજૂ થવા જઈ રહી છે.
હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ અને સ્કાયનાઉ ફિલ્મ્સ દ્વારા બનેલી આ ફિલ્મમાં કોમેડી સાથે એક્શન, રોમાન્સ, થ્રિલ અને ઇમોશનનો મિશ્રણ જોવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે અને તે દર્શકોમાં ઉત્સુકતા જગાવી રહ્યું છે. આ ફિલ્મ નવેમ્બર 2026માં રિલીઝ થવાની છે. બીજી તરફ, ‘ડમરુ’ ફિલ્મ પણ ચર્ચામાં છે. હાર્દિક પરીખના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં કોમેડી સાથે રહસ્યનો તડકો છે. સામાન્ય રીતે ‘ડમરુ’નો અર્થ સંગીત અને આનંદ સાથે જોડાય છે, પરંતુ આ ફિલ્મમાં ‘ડમરુ’ એક અલગ જ રીતે રજૂ થશે, જે હાસ્ય સાથે અનેક રહસ્યો પણ બહાર લાવશે. ફિલ્મમાં સંજય ગોરાડિયા, હેમાંગ દવે, ભાર્ગવ ઠક્કર, નિરવ વૈદ્ય અને મૌલિક ચૌહાણ જેવા જાણીતા કલાકારો જોવા મળશે. ‘ડમરુ’ 16 જુલાઈ 2026ના રોજ રથયાત્રાના પવિત્ર અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનાથી ફિલ્મને ખાસ તહેવારી માહોલનો ફાયદો મળવાની શક્યતા છે. આ ફિલ્મ ‘ગુજોત્સવ’ અને ‘વ્રજ ફિલ્મ્સ’ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.
ગુજરાતી સિનેમામાં હવે માત્ર પરંપરાગત વિષયો સુધી મર્યાદિત નથી પરંતુ ટેક્નોલોજી, સ્ટોરીટેલિંગ અને પ્રેઝન્ટેશનમાં પણ મોટો સુધારો થઈ રહ્યો છે. નવા વિષય અને મોટા સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મો દર્શકોને વધુ આકર્ષિત કરી રહી છે. ‘ડમરુ’ અને ‘એ… આ’યું!!!’ જેવી ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપી શકે છે. જો આ પ્રયોગો સફળ થાય, તો ભવિષ્યમાં વધુ વિવિધ અને ગુણવત્તાસભર ફિલ્મો જોવા મળશે, જે ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય સ્તરે પણ વધુ ઓળખ અપાવી શકે છે.