Vadodara

ગંદકી કરનારા વેપારીઓ સાવધાન! રાત્રે કચરો રોડ પર ફેંકતા ‘રામકૃપા સ્ટોર’ને તંત્રએ સીલ માર્યું

મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પૂર્વ ઝોન એક્શનમાં; વારંવાર ગંદકી કરતા તત્વો સામે હવે સીધું સીલિંગનું શસ્ત્ર ઉગામ્યુ

વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 14માં આજે કોર્પોરેશનના તંત્રએ લાલ આંખ કરી હતી. રોજ રાત્રે દુકાન વધાવ્યા બાદ જાહેરમાં કચરો ફેંકતા વેપારી સામે કાર્યવાહી કરતા તંત્રએ રામકૃપા સ્ટોરને સીલ મારી દીધું છે.
શહેરમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક વેપારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. માંડવી-પાણીગેટ રોડ પર આવેલી ‘રામકૃપા સ્ટોર’ ના સંચાલક દ્વારા રોજ રાત્રે દુકાન બંધ કરતી વખતે અંદરનો કચરો બહાર જાહેર રસ્તા પર ફેંકી દેવામાં આવતો હતો. સફાઈ થઈ ગયા બાદ પણ આ રીતે અવારનવાર ગંદકી કરવાને કારણે સ્થાનિક તંત્રના ધ્યાને આ બાબત આવી હતી.
તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં તેમણે સફાઈ ઝુંબેશ પર ભાર મૂકતા સૂચના આપી હતી કે વારંવાર ગંદકી કરનારા તત્વો સામે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવી. આ સૂચનાના પગલે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર મહેશ રબારી અને તેમની ટીમે આજે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
​તપાસ દરમિયાન વેપારી દ્વારા નિયમિતપણે કચરો રસ્તા પર ફેંકાતો હોવાનું પુરવાર થતા, ટીમ દ્વારા તાત્કાલિક અસરથી દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે હાલમાં કોર્પોરેશન દ્વારા એક તરફ વેરા વસૂલાતની કામગીરી અંતર્ગત બાકીદારોની મિલકતો સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે તેની સાથે જ સફાઈ મામલે આ પ્રકારે કડક પગલાં લેવાતા અન્ય બેદરકાર વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેરની સ્વચ્છતા સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને બક્ષવામાં આવશે નહીં.

Most Popular

To Top