અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાએ જોર પકડ્યું છે અને રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે, જોકે કેટલીક જગ્યાએ હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.અમદાવાદ- સુરેન્દ્રનગર અને અમરેલીમાં 42 ડિગ્રી ગરમી નોંધાવવા પામી છે.
રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલ મહત્તમ તાપમાન મુજબ અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે જ રીતે વડોદરામાં 41 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગર અને કેશોદમાં 39 ડિગ્રી જ્યારે સુરતમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂજમાં 40 ડિગ્રી, નલિયામાં 35 ડિગ્રી, કંડલા પોર્ટમાં 37 ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 35 ડિગ્રી અને મહુવામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે દમણમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ મુજબ મધ્ય ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન આસપાસ ઉપરવાસી ચક્રવાતીય પરિભ્રમણ યથાવત્ છે. તેના કારણે હવામાનમાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે.આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 4 દિવસ સુધી 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, જ્યારે બપોર બાદ ભાગ્યે વાદળછાયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે 20 એપ્રિલ માટે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે. 20 થી 21 એપ્રિલ દરમિયાન પણ ડાંગ, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.21 થી 22 એપ્રિલ દરમિયાન ભરૂચ અને સુરત સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં એક તરફ આકાશમાંથી અગલ વર્ષા થઈ રહી છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં લોકોને ગરમીથી બચવા સતત પાણી પીવા સાથે સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.