ડ્રોન હુમલાથી સ્થિતિ વધુ તંગ
મધ્યપૂર્વ વિસ્તારમાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. ઓમાનની ખાડી નજીક ઈરાન સાથે જોડાયેલા માનવામાં આવતા એક માલવાહક તેલ જહાજ ‘ટ્રસ્ટા’ પર અમેરિકન નૌસેનાએ હુમલો કર્યો હોવાનો દાવો સામે આવ્યો છે., ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે અને વિસ્તારમાં ફરી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ તેજ બની ગઈ છે.
માહિતી મુજબ, અમેરિકન દળોએ મિસાઈલ અને નૌકાદળની કાર્યવાહી દ્વારા આ જહાજને નિશાન બનાવ્યું હતું. આ સાથે જ જણાવવામાં આવે છે કે આ જહાજ અંદાજે 600 ફૂટ લાંબું હતું અને તેમાં મહત્વપૂર્ણ સામગ્રી વહન થતી હતી. અમેરિકાની તરફથી જણાવાયું છે કે આ કાર્યવાહી સુરક્ષા કારણોસર અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.બીજી તરફ, ઈરાન તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાની મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકાના આ પગલાને ગંભીર ઉશ્કેરણીજનક ગણાવવામાં આવ્યું છે અને તેના જવાબમાં ઈરાન દ્વારા અમેરિકન યુદ્ધ જહાજોને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને વધુ ગંભીર બનાવ્યો છે.
ખાસ વાત એ છે કે આ સમગ્ર ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશો વચ્ચે ચાલતો યુદ્ધ વિરામ સમાપ્ત થવાનો સમય નજીક હતો. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં થયેલા હુમલાએ રાજકીય અને સૈન્ય સ્તરે ચર્ચાઓને વધુ તેજ કરી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો વિસ્તારની સુરક્ષા પર તેની સીધી અસર પડી શકે છે.
આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો માને છે કે ઓમાનની ખાડી જેવા વ્યૂહાત્મક વિસ્તારામાં વધતો તણાવ વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠા પર પણ અસરકારક સાબિત થઈ શકે છે. હાલ બંને દેશોની તરફથી સતત નિવેદનો આવી રહ્યા છે અને વિશ્વભરના દેશો આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સ્થિતિ કેટલી ગંભીર બનશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે મધ્યપૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અનિશ્ચિતતા અને ચિંતા વધી ગઈ છે.