ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ત્રણ દિવસીય હાઈ-લેવલ બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશો વેપાર સંબંધોને નવી દિશા આપવા માટે ચર્ચા કરશે. ભારત તરફથી લગભગ એક ડઝન અધિકારીઓની ટીમ આ બેઠકમાં ભાગ લેશે, જેનું નેતૃત્વ વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન કરશે. આ બેઠકમાં અબજો ડોલરના વેપાર પર અસર કરતી શરતો અંગે ચર્ચા થવાની છે. તાજેતરમાં અમેરિકામાં ટેરિફ સંબંધિત નિયમોમાં ફેરફાર થતાં બંને દેશોના ટ્રેડ સંબંધો પર અસર પડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ભારે ટેરિફને સુપ્રીમ કોર્ટે ફગાવ્યા બાદ નવા નિયમો લાગુ કરાયા છે. હવે અમેરિકાએ તમામ દેશો પર 150 દિવસ માટે 10 ટકા સમાન ટેરિફ લાગુ કર્યો છે. આ બદલાવને કારણે ભારત અને અમેરિકા વચ્ચે અગાઉ નક્કી કરાયેલા કરારના માળખાને ફરીથી વિચારવાની જરૂર પડી છે.
જૂના કરાર મુજબ અમેરિકા ભારતીય માલ પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા તૈયાર હતું, જે ભારત માટે મોટો ફાયદો હતો. પરંતુ હવે 10 ટકા સમાન ટેરિફ લાગુ થતા આ વિશેષ લાભ ખતમ થતો દેખાઈ રહ્યો છે. તેથી બંને દેશો આ કરારને ફરીથી ગોઠવવા, એટલે કે ‘રીકેલિબ્રેટ’ કરવા પર ચર્ચા કરશે. વૈશ્વિક વેપાર પરિસ્થિતિમાં પણ બદલાવ આવી રહ્યો છે. વર્ષ 2025-26માં ચીન ફરીથી ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર બની ગયો છે, જ્યારે છેલ્લા ચાર વર્ષ સુધી અમેરિકા આ સ્થાન પર હતું. ભારત-ચીન વચ્ચેનો વેપાર 151.1 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, અમેરિકા સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ પણ ઘટીને 34.4 અબજ ડોલર થયું છે. આ બેઠકમાં ભારત અમેરિકા દ્વારા સેક્શન 301 હેઠળ લગાવવામાં આવેલા કેટલાક આરોપોને પણ મજબૂત રીતે નકારી શકે છે. સાથે જ ભારતે અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના ઊર્જા ઉત્પાદનો, વિમાન અને ટેકનોલોજી ખરીદવાની તૈયારી દર્શાવી છે. તેના બદલામાં ભારત કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો માટે વધુ સારી બજાર ઍક્સેસ ઈચ્છે છે. આ બેઠક ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. બંને દેશો માટે આ ચર્ચા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને તેના પરિણામો પર વૈશ્વિક વેપાર જગતની નજર રહેશે.