Nadiad

ખેડા આરોગ્ય વિભાગમાં બદલીના બહાને ઉઘાડી લૂંટ

દૂરના સ્થાનોએ બદલીઓના ઓર્ડરના ઓથા હેઠળ 30થી 50 હજારનો વહીવટ થતો હોવાના આક્ષેપથી હડકંપ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.19
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની બદલી રોકવા માટે લાખો રૂપિયાના તોડ થતા હોવાના ગંભીર આક્ષેપોને પગલે વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. માતરના હેલ્થ ઓફિસરે ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો માંડી ભ્રષ્ટાચારના પુરાવા હોવાનો દાવો કરતા સમગ્ર મામલો ગરમાયો છે, બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે.
ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારી તેજસ પટેલનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેમણે જિલ્લા આરોગ્ય તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. પાલ્લા ગામના ચીફ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા પટેલે આક્ષેપ કર્યો છે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓને માનસિક રીતે હેરાન કરવા અને આર્થિક લાભ મેળવવા માટે ખોટી રીતે બદલીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પાલ્લા આરોગ્ય કેન્દ્રની બે મહિલા કર્મચારીઓ અને હેલ્થ ઓફિસરની બદલી નિયમ વિરુદ્ધ કરવામાં આવી હોવાનો સુર તેમણે આલાપ્યો છે. આ વિડિયો વાયરલ થતાની સાથે જ આરોગ્ય વિભાગની આંતરિક ખેંચતાણ અને ભ્રષ્ટાચારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભ્રષ્ટાચારના આ ગંભીર આરોપોમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેજસ પટેલે દાવો કર્યો કે તેમની પાસે આ નાણાકીય વ્યવહારો અને ગેરરીતિઓના પુરાવા તરીકે 18 જેટલા વિડિયો ક્લિપિંગ્સ ઉપલબ્ધ છે. આ વિડિયોમાં કર્મચારીઓ પાસેથી 30 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ રકમ કયા ચોક્કસ કામ માટે લેવાઈ છે તેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ જો આ પુરાવાઓ જાહેર કરવામાં આવે તો જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ મામલે તપાસની માંગ પણ ઉઠવા પામી છે.
આ વિવાદમાં વધુ એક મહિલા નર્સનો વિડિયો સામે આવતા આરોપોને વધુ બળ મળ્યું છે. આ મહિલા કર્મચારીએ વિડિયોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની બદલી રોકવા માટે તેમણે 30 હજાર રૂપિયાનો વહીવટ કર્યો હતો. મહિલા નર્સના જણાવ્યા અનુસાર, જો સીધા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાસે જવામાં આવે તો 50 હજાર રૂપિયા માંગવામાં આવતા હતા, પરંતુ વચેટિયાઓ દ્વારા 30 હજારમાં કામ પતાવવાની લાલચ આપી નાણાં પડાવવામાં આવ્યા હતા. હાજરી રજિસ્ટરમાં સહી ન હોવાનું બહાનું કાઢીને બદલીઓ કરવામાં આવતી હોવાનો અને નાણાં આપનારા કર્મચારીઓને ઓર્ડર છતાં જે-તે સ્થળે હાજર થવામાંથી મુક્તિ અપાતી હોવાનો પર્દાફાશ આ મહિલા કર્મચારીએ કર્યો છે.

જિલ્લા આરોગ્ય અધિકારીનો લૂલો બચાવ
સમગ્ર પ્રકરણ અંગે ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી વી.એ.ધ્રુવે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે આ તમામ આરોપો સદંતર ખોટા અને વિભાગની છબી ખરડવાના પ્રયાસ માત્ર છે. જે કર્મચારીઓની કામગીરી નબળી હોય અથવા જેઓ સૂચના મુજબ કામ ન કરતા હોય તેમની સામે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલીના પગલાં લેવામાં આવતા હોય છે. આવી કાયદેસરની બદલીઓથી નારાજ થઈને કેટલાક કર્મચારીઓ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. તેમણે નાણાંની કોઈ પણ પ્રકારની લેતીદેતી થઈ હોવાની વાતને નકારી કાઢી છે અને વિભાગમાં પારદર્શક રીતે કામગીરી થતી હોવાનો દાવો કર્યો છે.

નશાની હાલતમાં આક્ષેપો થયા હોવાની ચર્ચા
આરોગ્ય અધિકારી તેજસ પટેલ દ્વારા જે વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે, તેને લઈને જિલ્લામાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. વિડિયોમાં અધિકારીની બોલવાની શૈલી અને હાવભાવ જોતા તેઓ નશાની હાલતમાં હોવાની શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે વિભાગમાં એવી પણ ચર્ચા છે કે અંગત અદાવત અથવા નશાના પ્રભાવ હેઠળ આ પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોઈ શકે છે.

મંત્રી-ધારાસભ્યોના લેટરપેડનો ઉપયોગ?
આ બદલીઓ માટે ઉઘરાણાંની સાથોસાથ અન્ય એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો છે. જેમાં કેટલાક ચોક્કસ રાજકીય આશ્રય ધરાવતા ઈસમો દ્વારા મંત્રી અને ધારાસભ્યોના સહી વાળા લેટરપેડ પોતાની પાસે ગેરકાયદેસર રાખી અને તેમાં બદલી માટેની ભલામણો તૈયાર કર્યા બાદ જે-તે અધિકારી સુધી પહોંચાડવામાં આવે છે અને બાદમાં આ ભલામણોના આધારે બદલીના હુકમો કરી, કરાવી અને આ પ્રકારે બદલી રદ્દ કરાવવા ઉઘરાણા કરાવાતા હોવાની ચર્ચા છે.

એસ. કે. કોણ?
આ બદલીઓના ઉઘરાણાંના કૌભાંડ અંગે આંતરીક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસ. કે. તરીકે ઓળખાતા એક રાજકીય આશ્રિત સરકારી કર્મચારી આખા કૌભાંડનો માસ્ટર માઈન્ડ છે. તેના દ્વારા જ ચોક્કસ મોડેસ ઓપરેન્ડરી થકી આ પ્રકારે વહીવટો ચાલી રહ્યા છે. તેમજ અગાઉ તે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો હતો, તેમજ આરોગ્ય અધિકારીની સાંઠગાંઠમાં જ આ વેપલો ચલાવતો હોવાની પણ ચર્ચાઓ જિલ્લા પંચાયતના પટ્ટાંગણમાં ચાલી રહી છે.

Most Popular

To Top