Vadodara

વડોદરામાં ‘મોતનો વન-વે’: તૂટેલી ગટરનું ઢાંકણું ગમે ત્યારે મોટી હોનારત સર્જશે

તંત્ર ઘોર નિદ્રામાં!​સ્માર્ટ સિટીમાં જોખમી સવારી: વ્યસ્ત માર્ગ પર ગટરનું ઢાંકણું તૂટતા વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના એક વ્યસ્ત વન-વે માર્ગ પર ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ ખુલ્લી ગટર અને તૂટેલા ઢાંકણાને કારણે માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકોના માથે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.
​પ્રાપ્ત વિગતો અનુસાર, આ માર્ગ વન-વે હોવાને કારણે વાહનોની ગતિ સામાન્ય રીતે વધુ હોય છે. માર્ગની બરાબર વચ્ચે અથવા અવરજવરના ભાગમાં જ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી અંધારામાં કે વરસાદી માહોલમાં વાહનચાલકોને તે નજરે પડતું નથી. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જો કોઈ વાહનનું ટાયર આ ખાડામાં ફસાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
​સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વન-વે રોડ હોવા છતાં અહીં સુરક્ષાના કોઈ સાધનો કે ચેતવણીના બોર્ડ મુકવામાં આવ્યા નથી. તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
​હાલમાં આ તૂટેલું ઢાંકણું તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યું છે. સ્થાનીકોની માગ છે કે સત્વરે આ જોખમી ગટરનું સમારકામ કરવામાં આવે અને નવું મજબૂત ઢાંકણું બેસાડવામાં આવે, જેથી નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બચે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top