અબ્દુલ કબીર અને પઠાણ સહિત સાત સાગરીતો જેલના સળિયા પાછળ, મુખ્ય સૂત્રધારોની શોધખોળ તેજ

વડોદરા: રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગ્રાફ વચ્ચે વડોદરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વડોદરા શહેરમાંથી કાર્યરત બે કુખ્યાત સાયબર ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે કુલ 210 કરોડ રૂપિયાના આર્થિક છેતરપિંડીના વ્યવહારોનો ખુલાસો કર્યો છે. આ મામલે પોલીસે કુલ સાત શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સના પીઆઈ જે.એસ. પટેલ અને વાયરલેસ પીઆઈ જોટાણીયાની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ બાદ આ બંને ગેંગ પર ત્રાટકીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પોતાનું નેટવર્ક ચલાવતી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ કબીર, મોહમ્મદ ઇલિયાસ પઠાણ, વિવેક વણજારા, મયંક ભૈરવા, રોહિત વર્મા, મોહિત રાવલ અને દીપેશ રાજપુરોહિત તરીકે થઈ છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે નવ બેંક પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 10 ક્યુઆર કોડ અને વિવિધ બેંકોની ચેકબુકો જપ્ત કરી છે. આ ગેંગ મુખ્યત્વે ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ, લોન ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ અને ગેમિંગ ફ્રોડ જેવા ગુનાઓ દ્વારા લોકો પાસેથી નાણાં ખંખેરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગે અંદાજે 273 જેટલા સાયબર ગુનાઓમાં નાણાકીય હેરફેર માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
પ્રાથમિક તપાસમાં 210 કરોડથી વધુની રકમની હેરફેર થઈ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર છે. આ બંને ગેંગના સંચાલકો અને અન્ય સહભાગીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આગળની તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ સાયબર રેકેટમાં વધુ મોટા નામો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.