Vadodara

વડોદરા કોંગ્રેસના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર: ‘ચૂંટણી લડવા દો, પ્રજાને નક્કી કરવા દો કે સિકંદર કોણ?

​અટકાયત અને પોલીસ સાથેની ઘર્ષણ વચ્ચે પણ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં; ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જનતાને હાકલ

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 11ના કોંગ્રેસના બે ઉમેદવારોએ અચાનક પોતાના ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ પાસે ‘લોકશાહી બચાવો’ના બેનર હેઠળ ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
​કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ગૃહ ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં વડોદરાના પ્રભારી રામકિશન ઓઝા, વિમલ શાહ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.
​શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે ષડયંત્રો અને કાવાદાવા કરી રહી છે. લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો ઉત્સવ છે, જેમાં કોણ હારશે અને કોણ જીતશે તે નક્કી કરવાનો અધિકાર પ્રજાનો છે. પરંતુ ભાજપ હારના ડરથી ઉમેદવારોને ડરાવી-ધમકાવીને મેદાનમાંથી હટાવવા માંગે છે. આ લોકશાહીની ખુલ્લેઆમ હત્યા છે અને તેને સરમુખત્યારશાહી તરફનું કદમ કહી શકાય.”
​કોંગ્રેસી નેતાઓએ કલેક્ટર કચેરીની ઘટનાનો ઉલ્લેખ કરતા વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ આ અંગે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને અટકાયત પણ કરવામાં આવી હતી. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરો ની કેબિનમાં ભાજપના નેતાઓ બેસીને પ્રક્રિયામાં દખલગીરી કરી રહ્યા હતા, જે લોકશાહીની ગરિમાને કલંકિત કરનારી ઘટના છે.
​કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે, ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા એ માત્ર પક્ષાપક્ષીની વાત નથી પરંતુ લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ છે. આ ધરણા પ્રદર્શન દ્વારા કોંગ્રેસે જનતાને અપીલ કરી છે કે તેઓ લોકશાહીને બચાવવા માટે ભાજપ વિરુદ્ધ મતદાન કરી તેમને સબક શીખવાડે. આગામી દિવસોમાં આ મામલે કોંગ્રેસ દ્વારા કાયદાકીય અને રાજકીય લડત વધુ તેજ કરવામાં આવશે તેવા સંકેતો પણ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top