ત્રણ મહિનામાં રૂ. 39.04 લાખની વસૂલાતમાંથી ફક્ત રૂ. 12.97 લાખ જ બેંકમાં જમા
ઓડિટ દરમિયાન કેશિયરની ગેરરીતિ સામે આવી; છાણી પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા, તા. 17 — વડોદરા શહેર નજીક દશરથ વિસ્તારમાં આવેલા ટોયોટા કારના શોરૂમમાં કામ કરતા કેશિયર દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાર વેચાણ અને સર્વિસ માટે ગ્રાહકો પાસેથી વસૂલ કરાયેલા કુલ રૂ. 39.04 લાખમાંથી ફક્ત રૂ. 12.97 લાખ જ કંપનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે બાકીના રૂ. 26.06 લાખની ઉચાપત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત કંપનીના સિનિયર કેશિયર કલ્પેશભાઈ જયંતીલાલ મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે દશરથ વિસ્તારમાં આવેલા શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કરણ સુખદેવ બારિયા (રહે. દંતેશ્વર, વડોદરા) પર ગેરરીતિની આશંકા ઉભી થતાં ઓડિટ કરાવવામાં આવ્યું હતું. ઓડિટ દરમિયાન 13 જાન્યુઆરી 2025થી 13 એપ્રિલ 2026 વચ્ચેની વસૂલાતના હિસાબોમાં મોટી ગડબડ સામે આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અલગ-અલગ તારીખે વસૂલ કરાયેલ રકમમાંથી નોંધપાત્ર રકમ બેંકમાં જમા કરાવવામાં આવી નહોતી. શરૂઆતમાં આરોપીએ ગેરરીતિ નકારી હતી, પરંતુ હિસાબોની વિગતવાર ચકાસણી બાદ તેણે અલગ-અલગ તારીખે રકમ ઉચાપત કર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે છાણી પોલીસ દ્વારા આરોપી કેશિયર સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.