સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત શહેરની સુરત બદલવા પાલિકાનો ‘માસ્ટર પ્લાન
(પ્રતિનિધિ), વડોદરા. તા.16
વડોદરા : સંસ્કારી નગરી વડોદરા હવે કલા અને સ્વચ્છતાના અનોખા સંગમ દ્વારા નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025–26’ અને ‘નિર્મળ ગુજરાત 2.0’ અભિયાનને વેગ આપવા માટે શહેરભરમાં વ્યાપક જનજાગૃતિ અને સૌંદર્યીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની ‘વિઝીબલ ક્લીનલીનેસ’માં નોંધપાત્ર વધારો કરવાનો છે.

આ વિશેષ અભિયાન અંતર્ગત તાજેતરમાં તા. 14-04-2026 ને મંગળવાર ના રોજ કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે એક ભવ્ય વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની દેખરેખ હેઠળ કારેલીબાગ અને લાલબાગ સ્વિમિંગ પૂલની દીવાલો પર સુંદર અને આકર્ષક ચિત્રો કંડારવામાં આવ્યા છે. આ રંગબેરંગી કલાકૃતિઓ ન માત્ર સ્થળના સૌંદર્યમાં વધારો કરી રહી છે, પરંતુ આવતા-જતા નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહી છે.
પાલિકા દ્વારા માત્ર મુખ્ય સ્થળો જ નહીં, પરંતુ શહેરના તમામ ઝોનના વિવિધ વોર્ડમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે. વિવિધ દીવાલો પર સ્વચ્છતા આધારિત આકર્ષક, સંદેશાત્મક અને સર્જનાત્મક પેઈન્ટિંગ્સ બનાવવામાં આવી રહ્યા છે. આ ચિત્રો દ્વારા જટિલ લાગતા પર્યાવરણીય મુદ્દાઓને અત્યંત સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં શહેરને કચરામુક્ત રાખવા માટેની પ્રેરણા, કચરાને તેના ઉદ્ભવ સ્થાને જ સૂકો અને ભીનો અલગ કરવાની સમજણ, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા અને કુદરતની જાળવણી માટેનો સંદેશ, શહેર પ્રત્યેની પોતાની નૈતિક ફરજો અંગે જાગૃતિ લાવવા જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા શહેરને સ્વચ્છતા અને સૌંદર્યીકરણના માપદંડો પર રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન અપાવવા માટે કટિબદ્ધ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નગરજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર સ્થળોએ કચરો ન ફેંકીને અને સ્વચ્છતા જાળવીને આ ભગીરથ કાર્યમાં પોતાનો સક્રિય ફાળો આપે. જ્યારે નાગરિકો અને તંત્ર સાથે મળીને કામ કરશે, ત્યારે જ ‘સ્વચ્છ અને સુંદર વડોદરા’નું સપનું સાકાર થશે.