National

મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન

ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ ખાસ છે. સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકારે મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ત્રણ મહત્વના બિલ રજૂ કર્યા છે. આ બિલો પર લાંબી ચર્ચા ચાલી રહી છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યે મતદાન થવાનું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બિલ રજૂ કર્યા બાદ ચર્ચાની શરૂઆત થઈ. લગભગ 12 કલાક સુધી સતત ચર્ચા થવાની છે, જે જરૂર પડે તો મોડે રાત સુધી પણ ચાલી શકે છે. આ બિલ પસાર કરવા માટે સરકારને બે તૃતિયાંશ બહુમતી જરૂરી છે, એટલે મતદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ ત્રણ બિલમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો મહિલા અનામતનો છે. સરકારે મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33% અનામત આપવાની વાત કરી છે. પરંતુ આ અનામત તરત લાગુ નહીં થાય. તેની સૌથી મોટી શરત એ છે કે પહેલા નવી વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે. ત્યારબાદ જ મહિલાઓને અનામતનો લાભ મળશે. બીજો મોટો પ્રસ્તાવ લોકસભાની બેઠકો વધારવાનો છે. નવા બિલ મુજબ લોકસભાની કુલ બેઠકો 850 સુધી વધારી શકાય છે, જેમાંથી 815 બેઠકો રાજ્યો માટે અને 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે હશે. આ સાથે જ દિલ્હી અને જમ્મુ-કાશ્મીર જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેઠકોમાં ફેરફાર માટે પણ કાયદાકીય સુધારા કરવામાં આવશે. ઉપરાંત, નવું સીમાંકન પંચ બનાવવાની પણ જોગવાઈ છે.

આ બિલોને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષ મહિલા અનામતને સમર્થન આપે છે, પરંતુ સીમાંકન મુદ્દે તેનો વિરોધ કરે છે. વિપક્ષનો દાવો છે કે સીમાંકનથી ઉત્તર ભારતના રાજ્યોની બેઠકો વધી શકે છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થઈ શકે છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ બિલનો જોરદાર વિરોધ કર્યો છે અને તેને બ્લેક લો ગણાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના આક્ષેપોને ફગાવીને કહ્યું કે સરકાર તમામ પ્રક્રિયા બંધારણ મુજબ કરશે અને મહિલાઓને સશક્ત બનાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમણે કહ્યું કે ધર્મના આધારે અનામત આપવું સંભવ નથી. આ સમગ્ર મુદ્દામાં હવે સૌની નજર આવતીકાલના મતદાન પર છે. સરકાર પાસે પૂરતી સંખ્યા છે, પરંતુ વિપક્ષના વિરોધને કારણે ચર્ચા વધુ તીવ્ર બની છે. જો બિલ પસાર થશે તો દેશના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

Most Popular

To Top