Vadodara

વન ડે વન રોડ ના દાવાઓ વચ્ચે ફતેપુરા મંગલેશ્વર ઝાંપામાં ગંદકીનું સામ્રાજ્ય

પોલીસ ચોકીની સામે અને મંદિરની બાજુમાં મુખ્ય રસ્તા પર જ કચરાના ઢગલાં, સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડ મેળવતું તંત્ર જમીની હકીકતે સાવ નાપાસ

(પ્રતિનિધિ), વડોદરા. તા.16

વડોદરા : એક તરફ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ‘વન ડે વન રોડ’ જેવી ઝુંબેશોનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીની વરવી વાસ્તવિકતા પાલિકાના દાવાઓની પોલ ખોલી રહી છે. શહેરના ઐતિહાસિક મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં આવેલી કુંભારવાડા પોલીસ ચોકીની બિલકુલ સામે અને મહાકાળી માતાના મંદિરને અડીને જ કચરાના ઢગલાં ખડકાયા છે, જેના કારણે આખો વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો છે. પદાધિકારીઓ હાથમાં ઝાડુ લઈને ફોટા પડાવવામાં મશગૂલ છે, પરંતુ આ ચમક-ધમક પાછળની વરવી વાસ્તવિકતા શહેરના અંદરના વિસ્તારોમાં નરક જેવી સ્થિતિ પેદા કરી રહી છે.

આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે જ્યાં કુંભારવાડા પોલીસ ચોકી આવેલી છે તેની બિલકુલ સામે જ કચરાના ઢગલાં જોવા મળે છે. એટલું જ નહીં, જે મહાકાળી માતાના મંદિર પ્રત્યે હજારો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે, તે મંદિરને અડીને જ પાલિકાએ ‘ડમ્પિંગ સાઈટ’ બનાવી દીધી હોય તેમ લાગે છે. ભક્તો જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે શ્રદ્ધાના બદલે દુર્ગંધના કારણે મોઢું ફેરવી લેવું પડે છે. શું પાલિકા માટે આ આસ્થાનું અપમાન નથી ?

આ વિસ્તારમાંથી પસાર થવું એટલે નરકનો અનુભવ કરવો. કચરાના આ ઢગલાં માંથી નીકળતી અસહ્ય દુર્ગંધ 500 મીટર સુધી ફેલાયેલી રહે છે. આ કચરો હવે માખી અને મચ્છરોનું હબ બની ગયો છે. પાલિકા જાણે રહીશોને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાની ‘ભેટ’ આપવા માંગતી હોય તેવું જણાય છે. ગંદકીને કારણે નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઉભું થયું છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે, શું અમારે વેરો માત્ર ગંદકીમાં રહેવા માટે જ ભરવાનો ?

પાલિકાના ચોપડે વડોદરા સ્માર્ટ સિટી છે, પણ મંગલેશ્વર ઝાંપામાં સ્થિતિ પથ્થર યુગ જેવી છે. ‘વન ડે વન રોડ’ અંતર્ગત માત્ર અમીરો રહેતા હોય ત્યાં આવેલા રોડ જ ચમકાવવામાં આવે છે ? શું મંગલેશ્વર ઝાંપાના રહીશો વડોદરાના નાગરિક નથી ? કચરો ઉપાડવાની ગાડીઓ ક્યાં ગાયબ છે ? સફાઈ કામદારો અને સુપરવાઈઝરો શું એસી ઓફિસમાં બેસીને હાજરી પૂરે છે ?

લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું પાલિકા માત્ર ફોટા પડાવવા માટે જ ‘વન ડે વન રોડ’ ના નાટકો કરે છે ? મંદિર અને પોલીસ ચોકી જેવા મહત્વના સ્થળો પાસે ગંદકી કેમ દેખાતી નથી ? જો રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર લેશે ખરા ?

તંત્રની આ ઘોર બેદરકારી હવે જનતા સહન કરવાના મૂડમાં નથી. વડોદરા પાલિકાના શાસકોએ કાગળ પરની સ્વચ્છતા છોડીને જમીન પર ઉતરવાની જરૂર છે, નહીંતર ‘ગંદકી નગરી’ નું આ કલંક ભૂંસાવું મુશ્કેલ બનશે.

Most Popular

To Top