ભૂમાફિયાઓ રસ્તો ગળી ગયા, તંત્ર પાણી ગળી ગયું અને નેતાઓ માનવતા ગળી ગયા, ચૂંટણી ટાણે રહીશોનો NO VOTE, NO ENTRY નો હુંકાર

(પ્રતિનિધિ), વડોદરા. તા.15
વડોદરા જેને આપણે સંસ્કારી નગરી અને ‘સ્માર્ટ સિટી’ કહીએ છીએ, તેના જ વોર્ડ નંબર-3 માં આવેલ જલારામ નગર વિસ્તાર આજે તંત્રની ઘોર ઉપેક્ષા અને નેતાઓની નિષ્ક્રિયતાનું જીવંત સ્મારક બની ગયું છે. અહીંના રહીશોની સ્થિતિ એવી છે કે જાણે તેઓ લોકશાહીમાં નહીં, પણ કોઈ અરાજકતાવાળા ટાપુ પર રહેતા હોય. વર્ષોથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા નાગરિકોએ હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે.
જલારામ નગરની સૌથી મોટી અને આઘાતજનક સમસ્યા એ છે કે વર્ષો જૂનો જાહેર રસ્તો આજે અસ્તિત્વમાં જ નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ જાહેર રસ્તાને વગદાર ‘મગરો’ એટલે કે ભૂમાફિયાઓ અને બિલ્ડરો ગળી ગયા છે. હાલમાં રહીશો જે રસ્તાનો ઉપયોગ કરે છે તે માત્ર ‘રહેમરાહે’ મળેલો રસ્તો છે. થોડા સમય પૂર્વે જ્યારે આ રસ્તો બંધ કરાયો ત્યારે લોકોએ કલેક્ટર કચેરી સુધી લાંબા થવું પડ્યું હતું. પ્રશ્ન એ છે કે, સરકારી નકશા પરનો જાહેર રસ્તો કોઈ ખાનગી વ્યક્તિ કેવી રીતે દબાવી શકે ? શું તંત્ર આ મગરો સામે લાચાર છે ?
વિકાસની વાતો કરનારા નેતાઓ માટે આ આંકડો શરમજનક છે. છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં કોટાના પથ્થર બદલવામાં આવ્યા નથી. રસ્તાઓ પર ખાડા છે કે ખાડામાં રસ્તો એ ઓળખવું મુશ્કેલ છે. નલ સે જલની યોજનાઓ કાગળ પર દબાઈ ગઈ છે. અનેક રજૂઆતો છતાં પીવાનું શુદ્ધ પાણી આ વિસ્તાર સુધી પહોંચ્યું નથી. સ્ટ્રીટ લાઈટોના અભાવે રાત્રે આ વિસ્તાર ગુનાખોરી અને અકસ્માતનો અડ્ડો બની જાય છે. તંત્ર પાસે નવી લાઈટો નાખવાના બજેટ નથી કે દાનત નથી ? વિસ્તારમાં અનેક આંગણવાડીઓ કાર્યરત છે, પરંતુ શરમની વાત એ છે કે તે તમામ ભાડાના અને જર્જરિત મકાનોમાં ચાલે છે. જ્યાં બાળકોને પૂરતી સુવિધા, રમતના મેદાન કે શૌચાલય જેવી પાયાની સગવડ પણ મળતી નથી. ‘ભણશે ગુજરાત’ના નારા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે.
પૂરની હોનારત હોય કે કોરોનાકાળનો મરણતોલ ફટકો, જલારામ નગરના રહીશોએ પોતાના કહેવાતા ‘તારણહારો’ની રાહ જોઈ, પણ કોઈ આવ્યું નહીં. સ્થાનિક રહીશોનો આક્રોશ છે કે, અમે તો અમારા ધારાસભ્ય કે કોર્પોરેટરના મોઢા પણ જોયા નથી. પૂર્વ કોર્પોરેટરે જે વિસ્તારને દત્તક લીધો હતો, તે જ વિસ્તાર આજે ગંદકીના ઢગલા અને રોગચાળા વચ્ચે જીવી રહ્યો છે. પૂરના પાણી ઓસર્યા પછી મદદ લઈને આવવાને બદલે તંત્ર ‘સ્માર્ટ વિજ મીટર’ લઈને આવ્યું. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, પૂર બાદની લાચારીનો ફાયદો ઉઠાવી, લોકોને ગેરમાર્ગે દોરીને આ મીટરો પધરાવી દેવાયા છે. લોકો જેને ‘સ્માર્ટ મીટર’ નહીં પણ ‘સ્માર્ટ ચીટિંગ’ ગણાવી રહ્યા છે.
આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે જલારામ નગરના રહીશોએ એક થઈને નેતાઓને તેમની જ ભાષામાં જવાબ આપવાનું નક્કી કર્યું છે. આખા વિસ્તારમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરાયો છે. તેઓએ જણાવ્યું હતું કે પીવાનું પાણી નથી તો પ્રવેશ નથી. રસ્તો આપો, પછી વોટ માંગવા આવો. અમે નેતાઓને ઓળખતા નથી, નેતાઓ અમને ઓળખતા નથી.
શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર આ લાચાર નાગરિકોની વેદના સાંભળશે ? કે પછી દર વખતની જેમ ચૂંટણી પૂરી થતાં જ આ ફાઈલો ફરી ધૂળ ખાતી થઈ જશે ? જલારામ નગરનો આ પ્રચંડ જનઆક્રોશ આવનારા દિવસોમાં સત્તાધીશો માટે મોટો પડકાર સાબિત થશે તે નક્કી છે.
– અત્યાર સુધી અમે નેતાઓની વાતો સાંભળી, હવે નેતાઓએ અમારી વેદના સાંભળવી પડશે. જ્યાં સુધી રસ્તો અને પાણીની કાયમી સુવિધા નહીં મળે, ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર અકબંધ રહેશે. – કમલેશ પરમાર સ્થાનિક રહીશ, જલારામ નગર.