SURAT

સુરત પોલીસ કમિશનરની અનોખી પહેલ

સરકારી વાહનો બિનજરૂરી ચાલુ રાખવા પર પ્રતિબંધ, ઈંધણ બચતનો સંદેશ

સુરત શહેર પોલીસ કમિશનર Anupam Singh Gehlot દ્વારા ઊર્જા બચત અને વધતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. હાલ મધ્ય પૂર્વના ખાડી વિસ્તારમાં ચાલી રહેલા તણાવને કારણે ઊર્જા સંકટ ઊભું થવાની શક્યતા વચ્ચે તેમણે સુરત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી વાહનો જરૂરિયાત વગર ચાલુ ન રાખવા કડક સૂચના આપી છે.આ નિર્ણયથી સરકારી સ્તરે ઈંધણ બચતનો મહત્વનો સંદેશ ગયો છે અને શહેરમાં પણ આ પહેલની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

સમય પહેલા ગાડી શરૂ ન રાખવા કડક સૂચના : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના ડ્રાઈવર દ્વારા સરકારી વાહન સમય પહેલાં શરૂ રાખવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક ગાડી બંધ કરવાની સૂચના આપી હતી. સાથે જ અન્ય તમામ સરકારી વાહન ચાલકોને પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો કે: અધિકારી વાહનમાં બેસે ત્યારેજ ગાડી શરૂ કરવી, બિનજરૂરી એન્જિન ચાલુ રાખવું નહીં, જરૂરીયાત મુજબ જ વાહનનો ઉપયોગ કરવો, આ પગલાંથી વિભાગમાં ઈંધણ બચત માટે ગંભીરતા દાખવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

ઉનાળામાં વધતી ઈંધણ ખપત પર નિયંત્રણનો પ્રયાસ : હાલ ઉનાળાની ઋતુમાં મોટાભાગના સરકારી વાહનોમાં એસીનો વધુ ઉપયોગ થતો હોવાને કારણે ઈંધણની ખપત વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે એસીનો ઉપયોગ મર્યાદિત રાખવો, બિનજરૂરી લાંબા સમય સુધી વાહન ચાલુ ન રાખવું, વિભાગીય વાહનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો તેવા સ્પષ્ટ સૂચનો આપ્યા છે.

તમામ અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ રહેશે આદેશ : પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલો આ નિર્દેશ સુરત શહેર પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે લાગુ રહેશે. ખાસ કરીને સરકારી વાહનોના ડ્રાઈવરોને ઈંધણ બચત અંગે વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સ્તરે પણ પહેલને મળી પ્રશંસા : સુરત શહેર પોલીસ કમિશનરની આ પહેલને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi દ્વારા પણ આવકારી લેવામાં આવી છે. માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ પ્રકારની પહેલ રાજ્યના અન્ય વિભાગોમાં પણ અમલમાં આવી શકે છે.

શહેરમાં પ્રશંસા, રાજ્યભરમાં મોડેલ બની શકે પહેલ : સુરત પોલીસની આ ઈંધણ બચત પહેલને શહેરના નાગરિકો દ્વારા પણ વખાણ મળી રહ્યા છે. વધતી ઊર્જા કટોકટી વચ્ચે સરકારી સ્તરે જવાબદારીપૂર્વક લેવાયેલો આ નિર્ણય અન્ય વિભાગો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે.

Most Popular

To Top