Vadodara

કુંભારવાડા ફાયરિંગ કેસમાં ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

જૂની અદાવતમાં યુવક પર ડ્રગ માફિયાએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ

બે પિસ્તોલ, કારતુસ, પાંચ તલવાર અને બે ચપ્પા સહિતનો મુદ્દામાલ કબજે

વડોદરા, તા. 13
વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં મહાકાળી મંદિર પાછળ જૂની અદાવતના કારણે યુવકને જાનથી મારી નાખવાના ઇરાદે કરવામાં આવેલા ફાયરિંગ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. આ કેસમાં આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કુંભારવાડા વિસ્તારમાં મહાકાળી મંદિર પાછળ યુવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. પાંડવના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સુફીયાન ઉર્ફે અલ્લા અલ્લા શેખ, વહાબ ઉર્ફે ખાટકી શેખ, સોયેલ ઉર્ફે બોટલ બેલીમ અને મોહસીન ઉર્ફે બટન પઠાણની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, એક જીવતો કારતુસ, બે ફૂટેલા કારતુસ, પાંચ તલવારો અને બે ચપ્પા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની વધુ પૂછપરછ તેમજ હથિયારોના સ્ત્રોત અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી અંગે તપાસ કરવા માટે પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી.
જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચારેય આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસે ફાયરિંગ પાછળના ચોક્કસ કારણો, હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરશે.

આરોપીઓના રિમાન્ડના મુદ્દા

  • બીજા આરોપીઓની ધરપકડ કરવાની છે
  • અન્ય મુદ્દામાલ કયા સંતાડ્યો
  • આ ગુનામાં અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ
  • આરોપીઓ બીજા ગુનામાં સામેલ છે?
    • પિસ્તોલ કોની પાસેથી લાવ્યો હતો
    • આ સમગ્ર કેસ પાછળ ગેંગનો હાથ તો નથી ને
  • આરોપીઓના મોબાઈલની કોલ ડિટેઈલ મેળવવા

Most Popular

To Top