Gujarat

અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટોને લઈ આખી રાત કકળાટ

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી મેદાન મારી લીધું છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મનપામાં કોંગ્રેસ છેલ્લા દિવસ પણ ‘ઘોંચ’માં જણાય હતી. આજે બપોરે 3 વાગ્યા સુધી જ ફોર્મ ભરવાની અંતિમ સમય હોવા છતાં, કોંગ્રેસમાં અનેક બેઠકો પર ગણતરીના કલાકો સુધી પણ અસમંજસ અને આંતરિક ખેંચતાણની સ્થિતિ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટોની ફાળવણીને લઈને આખી રાત હંગામો ચાલ્યો હતો. ટિકિટ માટેની ખેંચતાણ એટલી હદે હતી કે બાકી રહેલા ઉમેદવારોને છેક સવારે પાંચ વાગ્યે ફોન કરીને જાણ કરવામાં આવી હતી. અમદાવાદના કુલ 48 વોર્ડ પૈકી હજુ પણ 14 વોર્ડ એવા છે જ્યાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં પક્ષ ગડમથલ અનુભવાઈ હતી. સીટિંગ કાઉન્સિલરોની ટિકિટ કાપવી કે નહીં તે મુદ્દે ધારાસભ્યો અને સિનિયર નેતાઓ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા હતા, અને આખરી નિર્ણય લેવામાં ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી હતી, જે છેલ્લી ઘડી સુધી ચાલી હતી.

પ્રવક્તા હિરેન બેન્કરની ટિકિટ કપાતા ખળભળાટ

અમદાવાદમાં સૌથી ચોંકાવનારો કિસ્સો ચાંદખેડા વોર્ડમાં સામે આવ્યો છે. અહીં કોંગ્રેસના જાણીતા યુવ ચહેરા અને પ્રદેશ પ્રવક્તા હિરેન બેન્કરની છેલ્લી ઘડીએ ટિકિટ કાપી નાખવામાં આવતા કોગ્રેસના રાજકીય વર્તુળોમાં સોપો પડી ગયો છે. આ ઉપરાંત નરોડામાં પણ જાહેર થયેલા ઉમેદવારની ટિકિટ કાપીને અન્ય વ્યક્તિને મેન્ડેટ આપી દેવાતા આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો.

દરિયાપુર વોર્ડમાં માત્ર નિરવ બક્ષીનું નામ જાહેર થયું છે, જ્યારે અન્ય ત્રણ નામો પર છેલ્લે સુધી સસ્પેન્સ રહ્યો હતો. દાણીલીમડામાં નેતા વિપક્ષ શહેજાદખાન પઠાણનું નામ જાહેર થયું છે પણ બાકીના ઉમેદવારો નક્કી થઈ શકયુ નહતું.. આ ઉપરાંત જોધપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર-રખિયાલ, જમાલપુર, વાસણા, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા અને ગોમતીપુરમાં આખી પેનલ જાહેર કરવામાં પણ ભારે મથામણ ચાલી હતી. રામોલ-હાથીજણ વોર્ડમાં પણ બે ઉમેદવારો અંગે છેલ્લા કલાકમાં નિર્ણય લેવાયો હતો, ત્યાં સધી ભારે ગડમથલ જોવા મળી હતી. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક કલહ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ટિકિટ ફાળવણીમાં પક્ષપાત અને અન્યાયના ગંભીર આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ મોહમ્મદ નાસિર શેખે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. આ વિવાદ હવે સ્થાનિક સ્તરેથી ઉછળીને ઓલ ઈન્ડિયા માઈનોરિટી કમિટી સુધી પહોંચ્યો છે.

રાજીનામું આપનાર મોહમ્મદ નાસિર શેખે ઓલ ઈન્ડિયા માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેનને લેખિત ફરિયાદ કરી પક્ષની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 23 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હોવા છતાં અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત તેમજ મજબૂત જનસંપર્ક ધરાવતા હોવા છતાં ટિકિટ ફાળવણીમાં તેમની ધરાર અવગણના કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પક્ષના પૂર્વ ધારાસભ્યો પક્ષના હિતને બાજુ પર મૂકીને પોતાની મરજી મુજબ ટિકિટોની વહેંચણી કરી રહ્યા છે અને પક્ષના પાયાના કાર્યકરો સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.

અમદાવાદમાં જે વોર્ડ કોંગ્રેસના ગઢ ગણાય છે, ત્યાં જ નેતાઓ અને કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. ખાસ કરીને દરિયાપુર વોર્ડમાં વિવાદ વધુ વકર્યો હતો. અહીં યુથ કોંગ્રેસના ઉચ્ચ શિક્ષિત યુવા નેતાઓને અવગણીને માત્ર ગણતરીના વર્ષોનો અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવતા જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

ધોળકામાં ભડકો શહેર પ્રમુખનું રાજીનામું

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટ વહેંચણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ રાજીનામું ધરી દીધું છે. મકવાણાએ આક્ષેપ કર્યો છે કે વફાદાર કાર્યકરોને અવગણીને ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા લોકોને ટિકિટ આપવામાં આવી છે. સત્તાવાર લડાઈમાં ઘરના જ નડ્યા હોવાનું કહી તેમણે પક્ષની નેતાગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.

આમ, ચૂંટણીના રણમેદાનમાં ઉતરતા પહેલા જ કોંગ્રેસ આંતરિક કલહ અને વિલંબિત નિર્ણયોને કારણે મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે અંતિમ ગણતરીની મિનિટોમાં કોંગ્રેસ કઈ રીતે આ પરિસ્થિતિને થાળે પાડે છે.

Most Popular

To Top