Gujarat

એસ.ટી.ના પાસ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર માહિતી આપતા જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ દ્વારા ઓનલાઈન મુસાફર પાસ સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટેકનિકલ કારણોસર દૈનિક મુસાફર પાસ યોજનાની ઓનલાઈન સિસ્ટમ બંધ હતી. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને નિગમ દ્વારા ખાસ ‘ઇનહાઉસ સોફ્ટવેર’ ડેવલપ કરવામાં આવ્યું છે. આ નવા સોફ્ટવેરની મદદથી હવે ઓનલાઈન પાસ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે મુસાફરો પાસ માટેનું પેમેન્ટ ક્યુઆર (QR) કોડ સ્કેન કરીને સીધું ઓનલાઈન કરી શકશે. આનાથી રોકડ વ્યવહારની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. રાજ્યમાં લોકલ અને એક્સપ્રેસ બસોમાં કાયમી અપ-ડાઉન કરતા અંદાજિત ૨ લાખથી વધુ મુસાફરો આ સેવાનો લાભ લે છે. અત્યાર સુધી પાસ કઢાવવા કે રિન્યૂ કરાવવા માટે મુસાફરોને બસ સ્ટેશન પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, પરંતુ હવે આ ઓનલાઈન સુવિધાને કારણે મુસાફરોનો કિંમતી સમય બચશે અને લાઈનોમાં ઉભા રહેવામાંથી કાયમી મુક્તિ મળશે.

Most Popular

To Top