10 દિવસથી આગ બેકાબૂ, હવે એક્શનની માંગ ઉગ્ર
સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગી રહેલી આગ હવે માત્ર કચરો સળગાવતી ઘટના નથી રહી, પરંતુ હજારો લોકોના જીવન પર સીધી અસર કરતી ગંભીર સમસ્યા બની ગઈ છે. છેલ્લા 10 દિવસથી સતત ધુમાડો ઉઠતા આસપાસની સોસાયટી ઓમાં રહેતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. સ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે લોકો પોતાના જ ઘરમાં માસ્ક પહેરીને રહેવા મજબૂર બન્યા છે.
ડમ્પિંગ સાઈટ નજીક આવેલી સોસાયટીના રહીશો હવે ખુલ્લેઆમ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે, બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. વૃદ્ધો અને બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. ઘણા લોકોને શ્વાસની તકલીફ, આંખોમાં જળાવો અને દુર્ગંધથી પરેશાની થઈ રહી છે.
સોસાયટી ના રહીશો એ ચેતવણી આપી છે કે, જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ સખત વિરોધ દર્શાવશે. “પહેલા આગ બુઝાવો, પછી સુવિધાઓને લઇ દાવા કરો. એવો કડક સંદેશ તંત્ર ને આપવામાં આવ્યો છે.રહીશો એ ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે ડમ્પિંગ સાઈટ પર વારંવાર આગ લાગવી કોઈ સામાન્ય ઘટના નથી. કરોડોના કચરા નિકાલના કોન્ટ્રાક્ટ હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાય છે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું આ પાછળ કોઈ ગડબડ છે? અને જો કોઈ સમસ્તેયા છે તો એ અંગે તાત્કાલિક તપાસ કરવી જોઈએ તેવી પણ માંગ કરી છે.
આ સમગ્ર સ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ છે. રહીશો હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી માંગે છે. જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે.