SURAT

ખાખીનું કર્તવ્ય નહીં, કરુણાનું કાર્ય!

કતારગામમાં પોલીસ બની જીવનદાતા, થેલેસેમિયા બાળકોને મળ્યો સહારો

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતા અને ફરજનું અનોખું સંકલન જોવા મળ્યું, જ્યાં શહેર ઝોન-3 પોલીસ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને જીવનદાન પૂરું પાડવાનો હતો. આવી પરિસ્થિતિમાં જ્યારે દરેક 15-20 દિવસે લોહી ચઢાવવું જરૂરી બને છે, ત્યારે પોલીસની આ પહેલ અનેક પરિવારો માટે આશાની કિરણ બની છે.

આ રક્તદાન કેમ્પમાં શહેરની વિવિધ જાણીતી બ્લડ બેંકો અને હોસ્પિટલો સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્મીમેર હોસ્પિટલ, નવી સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી આ અભિયાન સફળ બન્યું. અંદાજે 1000 જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવાની દિશામાં આ પહેલ આગળ વધી રહી છે,આ પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ હાજર રહ્યા હતા. તેમણે સ્થળ પર પહોંચી પોલીસ જવાનો અને નાગરિકોના ઉત્સાહને વધાવ્યો અને સ્વયં રક્તદાન કરીને એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના જણાવ્યા અનુસાર શહેરમાં આશરે 1100 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો છે, જેમને દર વર્ષે હજારો યુનિટ લોહીની જરૂર પડે છે. પોલીસ દ્વારા અપાયેલ આ સંદેશ સ્પષ્ટ છે કે તેઓ માત્ર કાયદાના રક્ષક જ નહીં, પરંતુ સમાજના સહાયક પણ છે. થેલેસેમિયા જેવી બીમારીથી સંઘર્ષ કરતા બાળકો માટે આ પ્રકારના કેમ્પ જીવનરક્ષક સાબિત થાય છે. આ પહેલ દ્વારા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે. કતારગામનો આ કેમ્પ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે ખાખી વસ્ત્રમાં દિલ પણ એટલું જ સંવેદનશીલ હોય છે.

Most Popular

To Top