Gujarat

રાજયના ૨૩ મોટા ઔદ્યોગિક એકમોને ₹૧૬૦૭ કરોડથી વધુના મૂડીરોકાણ માટે સહાય મંજૂર અપાઈ

ડે સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનો નિર્ણય , ૫૬34થી વધુ નવી રોજગારી સર્જાશે
ગાંધીનગર,તા.1
પીએમ નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા અને ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રાજ્યના ૨૩ મોટા ઔદ્યોગિક એકમોને ₹૧૬૦૭ કરોડથી વધુના મૂડીરોકાણ માટે સહાય મંજૂર કરવામાં આવી છે.

રોજગારી અને આર્થિક ઉન્નતિના નવા દ્વાર
આ મંજૂરીઓના પરિણામે રાજ્યમાં અંદાજિત ૫,૬૩૪ જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પ્રોત્સાહક સહાયથી રાજ્યના યુવાનો માટે આર્થિક પ્રગતિના નવા માર્ગો ખુલશે અને ‘ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇકો-સિસ્ટમ’ વધુ મજબૂત બનશે.

મુખ્ય યોજનાઓ હેઠળ સહાયની વિગત
૧. ઔદ્યોગિક નીતિ-૨૦૧૫: આ યોજના હેઠળ ૨૨ મોટા એકમોના ₹૭૭૦.૨૯ કરોડના મૂડીરોકાણને મંજૂરી અપાઈ છે.
૨. આત્મનિર્ભર ગુજરાત યોજના-૨૦૨૨: પંચમહાલ જિલ્લાના ૧ મોટા એકમ દ્વારા ₹૮૩૭.૬૭ કરોડના જંગી મૂડીરોકાણને લીલી ઝંડી આપવામાં આવી છે.

કયા જિલ્લામાં કેટલું રોકાણ અને કયા સેક્ટરને વેગ?
આ સહાયથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ ક્ષેત્રોમાં વિકાસ થશે

  • અમદાવાદ: ઓટો સેક્ટરમાં ₹૧૮૬.૭૭ કરોડનું રોકાણ.
  • સુરત: ટેક્સટાઇલ અને પેપર સેક્ટરમાં ₹૧૪૮.૩૪ કરોડની મંજૂરી.
  • ભરૂચ: કેમિકલ સેક્ટરમાં ₹૧૮૬.૫૭ કરોડનું મૂડીરોકાણ.
  • ગાંધીનગર: મેટલ અને મિનરલ્સ ક્ષેત્રે ₹૮૧.૦૯ કરોડ.
  • બનાસકાંઠા: એગ્રો પ્રોડક્ટ્સ સેક્ટરમાં ₹૨૬.૦૭ કરોડ.
  • રાજકોટ અને મહેસાણા: ઓટો અને એન્જિનિયરિંગ સેક્ટરને પ્રોત્સાહન.
  • પંચમહાલ: જનરલ સેક્ટરમાં ₹૮૩૭.૬૭ કરોડનું સૌથી મોટું રોકાણ.
  • ઉદ્યોગોને મળનારા મુખ્ય લાભો
    રાજ્ય સરકાર દ્વારા આ એકમોને નેટ એસ.જી.એસ.ટી. (Net SGST) સહાય, વ્યાજ સહાય અને ઇ.પી.એફ. (EPF) રીએમ્બર્સમેન્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આનાથી માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલા MSME સેક્ટરના નાના એકમોને પણ વેગ મળશે.નાયબ મુખ્યમંત્રી સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારો માટે ‘પહેલી પસંદ’ બન્યું છે અને આ પ્રકારના પ્રોત્સાહક નિર્ણયોથી રાજ્યની ઔદ્યોગિક દિવાદાંડી વધુ તેજસ્વી બનશે.

Most Popular

To Top