ગાંધીનગર: રાજય સરકારે જમીન મહેસૂલ ક્ષેત્રે આઝાદી પછીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ૭૫ વર્ષ જૂના જટિલ ‘ટુકડા ધારા-૧૯૪૭’ માં વ્યાપક સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતો અને જમીન ધારકો વર્ષો જૂની કાયદાકીય ગૂંચવણોમાંથી કાયમી મુક્ત થશે.
રાજ્ય સરકારના કેબીનેટ પ્રવક્તા સિનીયર મંત્રી જીતુ વાઘાણીએ આ ઐતિહાસિક નિર્ણયની વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ ૧૯૪૮થી અત્યાર સુધી જે કિસ્સાઓમાં ટુકડા ધારાનો ભંગ થયો હોય અથવા નિયમ કરતાં નાના ટુકડા પડ્યા હોય, તેવા તમામ કિસ્સાઓને કોઈપણ પ્રકારની પેનલ્ટી કે દંડ વગર ‘રેગ્યુલાઈઝ’ (વિનિયમિત) કરવામાં આવશે. અગાઉ જંત્રીના ૧૦ ટકા પેનલ્ટી ભર્યા પછી પણ જે વ્યવહારો કાયદેસર થતાં નહોતા, તે હવે આપોઆપ કાયદેસર ગણાશે. સેટલમેન્ટ કમિશનર બિજલ શાહની કમિટીના અભ્યાસ બાદ લેવાયેલો આ નિર્ણય ‘ડબલ એન્જિન સરકાર’ ની ખેડૂતલક્ષી અભિગમની વધુ એક પ્રતીતિ કરાવે છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ નવા સુધારાઓ ટૂંક સમયમાં રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં ‘૧૦ ગુંઠા’નો એકસમાન નિયમ
અત્યાર સુધી પિયત, બિનપિયત કે બાગાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી ખેડૂતો મૂંઝવણમાં રહેતા હતા. હવે આ જટિલતા દૂર કરી• સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરાયું છે.• હવેથી ૧૦ ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જેથી ખેતીની આર્થિક વાયબિલિટી જળવાઈ રહેશે. • સ્થાનિક કક્ષાએ ચાલતા જમીન લે-વેચના ગૂંચવાડાઓનો કાયમી અંત આવશે.
શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્ત
હવેથી મહાનગરપાલિકા, નગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (UDA) ના વિસ્તારોને ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આનાથી શહેરોમાં બિનખેતી (NA) અને બાંધકામની પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક બનશે.
નિર્ણયની દૂરોગામી અસરો:
- ટાઇટલ ક્લિયર: હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ હવે ક્લિયર થશે.
- કોર્ટ કેસોનો નિકાલ: રેવન્યુ કોર્ટમાં વર્ષોથી લટકતા ટુકડા ધારાના હજારો કેસોનો કાયમી નિકાલ આવશે.
- બ્લેકમેલિંગ બંધ: જમીન માપણી અને ટુકડાના નામે થતી હેરાનગતિ અને આર્થિક શોષણ અટકશે.
- આર્થિક ઉન્નતિ: ખેડૂતોની જમીન હવે વિવાદમુક્ત બનતા તેની આર્થિક કિંમતમાં વધારો થશે અને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે.