લુથરા ભાઈઓને જામીન મળ્યા, પણ હજુ જેલના સળિયા પાછળ જ રહેશે
ગોવાની એક અદાલતે અર્પોરા સ્થિત ‘બર્ચ બાય રોમિયો’ (Birch by Romeo) નાઈટક્લબના માલિકો ગૌરવ લુથરા અને સૌરભ લુથરાને જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં આ નાઈટક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ૨૫ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. મેરસીસ સ્થિત એડિશનલ સેશન્સ જજની કોર્ટે આ અગ્નિકાંડના કેસમાં જામીનનો આદેશ આપ્યો હતો. જોકે, આદેશ હોવા છતાં લુથરા ભાઈઓ અત્યારે જેલની બહાર આવી શકશે નહીં, કારણ કે તેઓ દસ્તાવેજોમાં છેતરપિંડી અને બનાવટના અન્ય એક અલગ કેસમાં હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.
કેસની પૃષ્ઠભૂમિ અને આરોપો : ૭ ડિસેમ્બરના રોજ સર્જાયેલા આ ભયાનક અગ્નિકાંડ બાદ લુથરા ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા હતા. બાદમાં તેમને થાઈલેન્ડથી પરત લાવવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ ઉત્તર ગોવાની કોલવાલે સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમની સામે બેદરકારી દાખવવા, માનવ જીવનને જોખમમાં મૂકવા અને અન્ય ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જામીન સુનાવણી દરમિયાન તેમના વકીલોએ દલીલ કરી હતી કે: આ કેસમાં તપાસ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે.
પોલીસ દ્વારા ચાર્જશીટ (આરોપનામું) પણ દાખલ કરી દેવામાં આવી છે. ટ્રાયલ ચાલવામાં લાંબો સમય લાગી શકે તેમ હોવાથી આરોપીઓને અનિશ્ચિત સમય માટે જેલમાં રાખવા ઉચિત નથી. કોર્ટે આ દલીલોનો સ્વીકાર કરતા નોંધ્યું હતું કે ચાર્જશીટ દાખલ થયા પછી કસ્ટડી ચાલુ રાખવાનું કોઈ સબળ કારણ જણાતું નથી.
કોર્ટની કડક શરતો : જામીન આપવાની સાથે કોર્ટે લુથરા ભાઈઓ પર અનેક કડક પ્રતિબંધો પણ લાદ્યા છે:
૧. તેઓ કોઈપણ સાક્ષીને પ્રભાવિત કરી શકશે નહીં કે પુરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં.
૨. કોર્ટની પૂર્વ પરવાનગી વિના ભારત છોડી શકશે નહીં અને પાસપોર્ટ જમા કરાવવો પડશે.
૩. રહેઠાણના પુરાવા સાથે મોબાઈલ નંબર પોલીસમાં નોંધાવવા પડશે અને અંજુના પોલીસના સતત સંપર્કમાં રહેવું પડશે.
કેમ હજુ જેલમાં જ રહેવું પડશે? જામીન મળવા છતાં તેમની મુક્તિમાં ‘ફોર્જરી’ (દસ્તાવેજી બનાવટ) નો કેસ આડે આવી રહ્યો છે. પોલીસને શંકા છે કે તેમણે નાઈટક્લબ ચલાવવા માટે જરૂરી પરવાના મેળવવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. જ્યાં સુધી આ કેસમાં રાહત ન મળે, ત્યાં સુધી તેમણે જેલમાં જ રહેવું પડશે.