ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુનીનો દરિયાઈ માર્ગ બ્લોક થઈ ગયો છે. આ સાંકડી ખાડીમાંથી પસાર થતી સ્ટીમરો પાસે ઈરાન સ્ટીમર દીઠ ૨૦ લાખ ડોલરનો ટોલટેક્સ વસૂલ કરી રહ્યું છે. ઈરાન માટે તો કમાણીનો નવો રસ્તો ખૂલી ગયો છે. હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનો ૨૦ ટકા ખનિજ તેલ અને કુદરતી ગેસનો જથ્થો પસાર થાય છે. આ ચીજોના ભાવો વધવાને કારણે દુનિયાના અનેક દેશોમાં કટોકટીનો માહોલ પેદા થયો છે. આટલું ઓછું હોય તેમ ઈરાનના સહયોગી હુથી બળવાખોરો દ્વારા હવે રાતા સમુદ્રને હિન્દ મહાસાગર સાથે જોડતા બાબ અલ- મંડાબ નામના સાંકડા દરિયાઈ માર્ગને બ્લોક કરવામાં આવ્યો છે. આ માર્ગે દુનિયાનો આશરે દસ ટકા ઊર્જાનો પુરવઠો પસાર થાય છે. આ રીતે દુનિયાની ૩૦ ટકા ઊર્જા સંકટમાં મુકાઈ ગઈ છે.
યમનના હુથી બળવાખોરો સપ્તાહના અંતે ઈરાન યુદ્ધમાં પ્રવેશ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીથી પ્રભાવિત વૈશ્વિક દરિયાઈ ક્રુડ ઓઇલના વેપારને બીજો આંચકો હુથી બળવાખોરો દ્વારા આપવામાં આવ્યો છે. શિયા લઘુમતીનું પ્રતિનિધિત્વ કરતા ઈરાન સમર્થિત સશસ્ત્ર લશ્કરી જૂથ હુથીઓએ અગાઉ ઇઝરાયલને ચેતવણી આપી હતી કે તેમની આંગળીઓ ટ્રિગર પર છે. તેમણે શનિવારે ઇઝરાયલી લશ્કરી સ્થળો પર મિસાઇલો છોડી દીધી હતી. હુથીઓ યમનના પશ્ચિમી દરિયાકાંઠાના કેટલાક ભાગો પર નિયંત્રણ ધરાવે છે, જેમાં લાલ સમુદ્રના બંદરી શહેર હોદેદાહનો સમાવેશ થાય છે.
હુથીઓ અરબી દ્વીપકલ્પના વિરુદ્ધ છેડે આવેલા બાબ અલ-મંડાબ સ્ટ્રેટ દ્વારા પસાર થતી માલવાહક સ્ટીમરોને ધમકી આપી રહ્યા છે. એક અનામી ઈરાની અધિકારીએ અલ જઝીરા નામની ચેનલને જણાવ્યું હતું કે જો ખાર્ગ ટાપુ પર અમેરિકા ભૂમિમાર્ગે હુમલો કરશે તો ઈરાન હુથી બળવાખોરોનો ઉપયોગ કરીને બાબ અલ-મંડાબ ખાતે એક નવો મોરચો ખોલી શકે છે. ૨૦૨૩ ના અંતમાં હુથી વિદ્રોહીઓએ શિપિંગ લેન પર હુમલા કર્યા તે પહેલાં વિશ્વના ક્રુડ તેલનો દસથી ૧૨ ટકા હિસ્સો બાબ અલ-મંડાબ દ્વારા મોકલવામાં આવતો હતો.
બાબ અલ-મંડાબ એક અરબી શબ્દ છે, જેનો અર્થ આંસુઓનો દરવાજો થાય છે. આ સ્ટ્રેટ લાલ સમુદ્રને એડનના અખાત અને હિંદ મહાસાગર સાથે જોડે છે. આશરે ૧૦૦ કિલોમીટર લાંબો અને ૩૦ કિલોમીટર પહોળો દરિયાઈ માર્ગ યમનને જીબુટી અને એરિટ્રિયાથી અલગ કરે છે. એશિયાથી યુરોપ જતાં જહાજોને સુએઝ નહેર સુધી પહોંચવા માટે આ માર્ગમાંથી પસાર થવું પડે છે. વૈશ્વિક વેપારનો આશરે ૧૨ ટકા અને કન્ટેનર ટ્રાફિકનો ૪૦ ટકા ભાગ સુએઝ નહેરમાંથી પસાર થાય છે. ૨૦૨૩ ની શરૂઆતમાં બાબ અલ-મંડાબનો પીક ફ્લો ૮૭ થી ૯૩ લાખ બેરલ દૈનિક હતો. ડિસેમ્બર ૨૦૨૩ ના મધ્ય સુધીમાં બાબ અલ-મંડાબ સ્ટ્રેટમાંથી પસાર થતાં ટનેજમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે અને કેટલીક શિપિંગ કંપનીઓએ કેપ ઓફ ગુડ હોપના ચકરાવા દ્વારા ટ્રાફિકને ડાઇવર્ટ કર્યો છે. હુથીના કારણે ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન બાબ અલ-મંડાબ દ્વારા શિપિંગ પર અસર ચાલુ રહી હતી. આ દરિયાઈ માર્ગ ભારત માટે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. નિષ્ણાતોને ડર છે કે જો આ માર્ગ પણ બંધ થઈ જાય તો વિશ્વના ઘણા દેશો મંદીમાં ફસાઈ શકે છે.
ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગઈ ત્યારથી સાઉદી અરેબિયા જેવા દેશો બાબ અલ-મંડાબના દરિયાઈ માર્ગે વિશ્વને ક્રુડ ઓઇલ સપ્લાય કરી રહ્યા છે.પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન દ્વારા ક્રુડ તેલયાન્બુ બંદર સુધી પહોંચાડવામાં આવે છે અને પછી લાલ સમુદ્ર દ્વારા વિવિધ દેશોમાં પહોંચાડાય છે. હોર્મુઝ પછી જો બાબ અલ-મંડાબ પણ બ્લોક કરી દેવામાં આવશે તો સાઉદી અરેબિયાનો તેલનો વેપાર પણ ખોરવાઈ જશે અને વિશ્વ માટે એક મોટી આપત્તિ આવશે. જો આ જળમાર્ગ સંપૂર્ણપણે અવરોધિત થઈ જાય, તો તેનાં નોંધપાત્ર આર્થિક પરિણામો આવી શકે છે. એવી આશંકા છે કે જો હુથીઓ દ્વારા બાબ અલ-મંડાબ બ્લોક કરી દેવામાં આવશે તો તેલના ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલર સુધી પહોંચી શકે છે, જેના કારણે વૈશ્વિક ફુગાવો આસમાને પહોંચશે, પુરવઠા શૃંખલા ખોરવાઈ જશે અને ઘણા દેશોની અર્થવ્યવસ્થા મંદીમાં પણ સરી શકે છે.
બાબ અલ-મંડાબ પણ ભારત માટે ખૂબ મહત્ત્વનું છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો આયાત કરે છે અને આ પુરવઠાનો નોંધપાત્ર હિસ્સો આ માર્ગ દ્વારા પસાર થાય છે. આ માર્ગમાં કોઈ પણ વિક્ષેપ તેલ અને ગેસ પુરવઠામાં વિલંબ કરશે, આયાત ખર્ચમાં વધારો કરશે, જેની સીધી અસર ઉદ્યોગ અને સામાન્ય જનતા પર પડશે. વધુમાં, યુરોપ સાથે ભારતના વેપારને પણ અસર થઈ શકે છે, કારણ કે આ માર્ગ એશિયા-યુરોપ કનેક્ટિવિટીનો મુખ્ય આધારસ્તંભ છે. આંસુના દરવાજા તરીકે ઓળખાતી આ સામુદ્રધુની હવે વર્તમાન પરિસ્થિતિમાં ખરેખર વિશ્વને હલાવવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે વૈશ્વિક વેપારની ગતિ તેની સ્થિરતા પર આધારિત છે.
સદીઓથી બાબ અલ-મંડાબ એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચેનો મુખ્ય વેપાર માર્ગ રહ્યો છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં વધતા લશ્કરી તણાવને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ પર ગંભીર અસર પડી છે. ૧૮૬૯ માં સુએઝ કેનાલના ઉદ્ઘાટન પછી બાબ અલ-મંડાબ સ્ટ્રેટનું મહત્ત્વ વધ્યું, જેના કારણે એશિયા અને યુરોપ વચ્ચેનો દરિયાઈ મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થયો હતો. તેને વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ચોકપોઇન્ટ્સમાંનો એક માનવામાં આવે છે, જ્યાં કોઈ પણ વિક્ષેપ સીધો વૈશ્વિક અર્થતંત્રને અસર કરે છે.
ભૌગોલિક રીતે, બાબ અલ-મંડાબ સ્ટ્રેટ લગભગ ૩૨ કિલોમીટર પહોળી છે અને મધ્યમાં સ્થિત પેરીમ ટાપુ તેને બે ચેનલોમાં વિભાજીત કરે છે. પશ્ચિમી ચેનલ ઊંડી અને પહોળી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે પશ્ચિમી ચેનલ મુખ્ય માર્ગ છે, જ્યારે પૂર્વીય ચેનલ પ્રમાણમાં છીછરી હોવાથી તેનો ઉપયોગ સ્થાનિક શિપિંગ માટે થાય છે. જો આ જળમાર્ગ બંધ થઈ જાય તો જહાજોએ કેપ ઓફ ગુડ હોપ દ્વારા આફ્રિકાની પરિક્રમા કરવી પડશે. આનાથી મુસાફરીમાં વિલંબ થઈ શકે છે અને ખર્ચમાં વધારો થઈ શકે છે. જહાજોને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે તો ભારતમાં રશિયન ક્રુડ તેલના આગમનમાં એક મહિનાનો વિલંબ થશે.
બાબ અલ-મંડાબ સ્ટ્રેટની સરખામણી હવે હોર્મુઝ સ્ટ્રેટ સાથે થઈ રહી છે, તેને હોર્મુઝ ૨.૦ કહેવામાં આવે છે. હોર્મુઝ ૨.૦ નામ બાબ અલ-મંડાબ અને હોર્મુઝ સ્ટ્રેટ વચ્ચે વધતી જતી સમાનતાઓ પરથી પડ્યું છે, જેમાંથી વિશ્વના લગભગ પાંચમા ભાગનું તેલ પસાર થાય છે. હોર્મુઝ પર્સિયન ગલ્ફના પ્રવેશદ્વાર પર આવેલું છે, જ્યારે બાબ અલ-મંડાબ લાલ સમુદ્ર અને એડનના અખાત વચ્ચેના માર્ગને નિયંત્રિત કરે છે. આ સામુદ્રધુની કન્ટેનર શિપિંગ અને ખાદ્ય વેપાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ઘઉં અને ખાતરો સહિત કૃષિ માલ ભારત, યુરોપ, મધ્ય પૂર્વ અને એશિયા વચ્ચે વારંવાર મુસાફરી કરે છે. યમનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ માર્ગ પર લશ્કરી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. હુથી જેવાં બળવાખોર જૂથોએ વેપારી જહાજો અને ટેન્કરોને નિશાન બનાવ્યાં છે. આ હુમલાઓને કારણે પરિવહન કરતાં જહાજો માટે વીમા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.
બાબ અલ-મંડાબમાં મુખ્ય સુરક્ષા જોખમોમાં હુથી બળવાખોરો દ્વારા જહાજો પર મિસાઇલ અને ડ્રોન હુમલા, ચાંચિયાગીરીનું જોખમ અને પ્રાદેશિક સંઘર્ષોનો ફેલાવો સામેલ છે. યમનમાં ચાલી રહેલા યુદ્ધે આ કોરિડોરની સ્થિરતાને નબળી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાની જવાબદારી સ્વીકારી છે. તેના જવાબમાં અમેરિકન નૌકાદળ અને તેના સાથીઓના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ગઠબંધને શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા માટે દરિયાઈ પેટ્રોલિંગ વધારી દીધું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.