Business

વલસાડ શહેરને વિકાસની ટક્કર આપતું ગામ એટલે ભાગડાવડા

વલસાડ શહેરને અડીને આવેલું કોળી પટેલ અને દેસાઇઓનું ગામ ભાગડાવડાએ વિકાસની એવી હરણફાળ ભરી છે કે, તે વલસાડ શહેરને ટક્કર આપી રહ્યું છે. આમ તો ભાગડાવડા ગામ વલસાડનું અભિન્ન અંગ કહી શકાય છે. જેના કારણે તેનો વિકાસ શહેર જેવો થયો છે. ભાગડાવડા ગામ શહેર સાથે એવી રીતે જોડાયેલું છે કે, તે ગામ છે કે શહેર છે તેનો ફરક વલસાડના લોકોને પણ જણાતો નથી. અંદાજિત 12291ની વસતી વાળા આ ભાગડાવડા ગામમાં મોટા મોટા એપાર્ટમેન્ટ, બંગલાઓ, સોસાયટીઓ જ નહીં, પરંતુ મોટા શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ પણ ખૂલી ગયાં છે. શહેરનો ક્રીમ વિસ્તારનો ભાગ ભાગડાવડા ગામમાં આવતો હોય, આ ગામની રોનક જ કંઇ ઓર છે. જો કે, વલસાડનું ભાગડાવડા ગામ હજુ પણ વિકાસ કરી રહ્યું છે. તેનો અવિરત વિકાસ વલસાડને પણ પૂરક બળ પૂરું પાડી રહ્યું છે. ભૌગોલિક દૃષ્ટિએ ભાગડાવડા ગામ વલસાડ શહેરના વિકાસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. વલસાડની જાણીતી કોમર્સ, સાયન્સ, આર્ટસ અને લો કોલેજ તેમજ આખું કોલેજ સંકુલ શરૂઆતથી જ ભાગડાવડા ગામમાં છે. અહીં નવી આવેલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અને વર્ષો જૂની પોલિટેકનિક કોલેજ પણ ધમધમી રહી છે. ત્યારે આ ગામને વલસાડનું શિક્ષણનું કેન્દ્ર પણ કહી શકાય છે.
વલસાડ શહેરના અનેક જાણીતા વ્યાવસાયિકો જેમ કે ડોક્ટરો, પત્રકારો, વકીલો અને રાજકારણીઓ પણ મોટી સંખ્યામાં ભાગડાવડા ગામમાં જ રહે છે. જેનું મુખ્ય કારણ આ ગામનો શહેર જેવો થયેલો વિકાસ છે. ભાગડાવડા ગામ કોળી પટેલ અને દેસાઇનું છે, પરંતુ અહીં મુસ્લિમોની કોલોની વિકસી હોવાથી તેમની પણ ખાસ્સી વસતી છે. આ સિવાય આહીર સમાજ પણ અહીંના મૂળ રહેવાસી છે.
વલસાડ સાથે આ ગામ એટલું જોડાયેલું છે કે, શહેરની મધ્યના કેટલાક આઇલેન્ડ વિસ્તારો પણ ભાગડાવડા ગામમાં છે. જેમાં ગોયા તળાવ વિસ્તાર કહી શકાય. આ વલસાડ શહેરના જાણીતા મોલ, જાણીતા ફૂડ જોઇન્ટ કે મોટી એવી સરદાર હાઇટ્સ કોલોની પણ ભાગડાવડા ગામમાં આવેલી છે. તિથલ રોડની અનેક કોલોની કે જાણીતાં એપાર્ટમેન્ટ ભાગડાવડા ગામની હદમાં છે. આ ગામ છેલ્લાં 30 વર્ષમાં ખૂબ વિકાસ પામ્પ્યું છે. ત્યારે આ ગામ છે કે શહેર એ કહેવું મુશ્કેલ બની જાય છે.
વલસાડનું ભાગડાવડા ગામ સૌથી સમૃદ્ધ ગામ કહી શકાય છે, પરંતુ અહીં વેરાની વસૂલાત ખૂબ ઓછી છે. ભલે અહીં મોટા મોટા બંગલાઓ બની ગયા હોય, પરંતુ લોકોમાં વેરાની ચૂકવણી માટે એટલી જાગૃતતા જોવા મળતી નથી. ભાગડાવડા ગામનો મહત્તમ વિસ્તાર નલ સે જલની યોજનામાં આવરી લેવાયો છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની ગટર પણ છે. જો કે, હજુ સુધી ગામમાં ડ્રેનેજની સુવિધા શરૂ થઇ શકી નથી. વધુમાં ગામ ધીમે ધીમે સીસી ટીવી કેમેરા જેવી સુવિધાઓથી સજ્જ થઇ રહ્યું છે. જેનાથી ગામમાં જ નહીં, પરંતુ શહેરી વિસ્તારમાં થતા ગુનાઓ પર રોક લાગી શકે. વલસાડ શહેરને અડીને આવેલું આ ગામ એક નવું વલસાડ તરીકે ઉભરી રહ્યું છે.

ગામમાં પાણીની કોઈ અછત નથી
ભાગડાવડા ગામમાં પાણીની ખાસ અછત જોવા મળી નથી. 90 ટકા ઘરોમાં નળથી પાણી આવી રહ્યું છે. જેના માટે અહીં નાની મોટી એવી પાણીની 7 ટાંકી આવેલી છે. આ ટાંકીઓ થકી ગામનાં અનેક ઘરોમાં, મોટી મોટી કોલોનીમાં પાણી પહોંચાડાય છે. અહીંનાં મોટાં એપાર્ટમેન્ટમાં ગામ ભોંયતળિયાના સંપમાં પાણી પહોંચાડી રહી છે. જો કે, હજુપણ અનેક એપાર્ટમેન્ટ્સ ભૂગર્ભ જળ પર આધાર રાખે છે. તેઓ બોરિંગથી પાણી ખેંચી પોતે પાણી માટે પંચાયત પર આધાર રાખતાં નથી.


ભાગડાવડાની હાઇફાઇ સોસાયટીએ શહેરીજનોને આકર્ષ્યા છે


વલસાડ ભાગડાવડા ગામની પાલિહીલ, આદર્શ સોસાયટી સહિતનો પોશ વિસ્તાર તેમજ કોલેજ પાસેની સરદાર હાઇટના એપાર્ટમેન્ટ્સે શહેરના મહત્તમ લોકોને આકર્ષ્યા છે. વલસાડના પાલિહિલ વિસ્તારમાં નગરપાલિકાના સભ્યો અહીં રહે છે. શહેરના મહત્તમ ડોક્ટરો પણ ભાગડાવડાની હદમાં આવેલા પાલિહીલ અને આદર્શ સોસાયટીમાં રહે છે. શહેરના 6 પત્રકાર પણ આ જ ગામમાં રહે છે. જો કે, તમામ અગ્રણીઓ મૂળ શહેરી વિસ્તારના હતા. જેઓ છેલ્લાં 30 વર્ષમાં વિકસેલા ભાગડાવડા ગામમાં સ્થળાંતર કરી રહેવા આવ્યા છે. શહેરનો એક મોટો ધનાઢ્ય વર્ગ ભાગડાવડાની હદમાં આવેલા બંગલાઓ અથવા મોટાં એપાર્ટમેન્ટ્સમાં રહેવા જતા રહ્યા છે. ત્યારે વલસાડ શહેર ભાગડાવડા ગામના રહીશો જ ચલાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

ખાસિયત: ગામનાં બે તળાવ પ્રવાસીઓને આકર્ષી રહ્યાં છે


ભાગડાવડા ગામના દાદિયા ફળિયાનું તળાવ ગામના જ નહીં, પરંતુ શહેરના લોકોને પણ આકર્ષી રહ્યું છે. સાંજ થતાં યુવાનોથી લઇ વૃદ્ધો અહીં આવે છે. વહેલી સવારે અને સાંજે વોક માટે અનેક લોકો અહીં આવતી જતા હોય છે. અહીં સાંજ થતાં કેટલાક સંગીતપ્રેમીઓ દ્વારા કરાઓકેનો કાર્યક્રમ પણ અપાય છે. જેનો લાભ અનેક લોકો લઇ રહ્યા છે. આ સિવાય ગ્રામ પંચાયત દ્વારા રામજી મંદિર તળાવને પણ વિકસાવાયું છે. અહીં પણ સાંજ થતાં વૃદ્ધો આવીને બેસે છે. સાંજ થતાં રમણિય વાતાવરણનો આનંદ ઉઠાવવા અનેક યુગલો પણ અહીં આવતા હોય છે. આ સિવાય ગામમાં 5 જેટલાં તળાવો છે, જેમાં ગોયા તળાવ, પાલિહીલનું તળાવ, નવું તળાવ, ખાંજણ ફળિયા તળાવ અને હીમભાઇ તળાવ. જો કે, આ તળાવો પૈકી દાદિયા ફળિયા તળાવની ફ્રન્ટ પંચાયત દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ તળાવ પર સાંજ થતાં અનેક યુવાનોથી લઇ વૃદ્ધો બેસવા આવતા હોય છે. કોલેજ નજીક હોય, તળાવની પાળે અનેક કોલેજિયનો પણ અહીં આવતા હોય છે. ત્યારે આ તળાવ ગામની શોભાવૃદ્ધિ કરી રહ્યું છે.
ડ્રેનેજના વિકાસ માટે હજુ પણ રાહ જોવાય છે
ભાગડાવડા ગામ શહેરને અડીને આવ્યું છે, પરંતુ હજુ તે ગામ જ હોય, અહીં ડ્રેનેજ લાઇનનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે, આગામી મોટા પ્રોજેક્ટમાં અહીં ડ્રેનેજ લાઇન નાંખવાનું કાર્ય હાથ ધરાશે એવું સરપંચ ધર્મેશ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગામનાં આગામી પ્રાથમિક કાર્યોમાં ડ્રેનેજ લાઇન નાંખવાનું છે. જેનું કનેક્શન ભાગડાવડામાં બનનારા વલસાડ પાલિકાના એસટીપી પ્લાન્ટમાં અપાશે. જેના થકી ગામમાં વધુ એક શહેર જેવી સુવિધા મળી શકશે. ગામમાં તેના ભાગરૂપે અનેક સ્થળોએ ડ્રેનેજ લાઇન નંખાઇ પણ ગઇ છે, પરંતુ હજુ સુધી તેને કાર્યરત કરાઇ નથી. એસટીપી (સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનશે પછી તેની સાથે જોડાણ થયા બાદ એપાર્ટમેન્ટ તેમજ ઘરને તેનું કનેક્શન આપવામાં આવશે.
ગામ ભલે શહેર બન્યું, પરંતુ ખેડૂતોનું અસ્તિત્વ હજુ પણ


ભાગડાવડા ગામનું ભલે શહેરીકરણ થયું છે, પરંતુ ગામની વસતીના અડધા ભાગના લોકો ખેડૂત છે, જેમાં 500 સીમાંત ખેડૂતો કે જેમની ખેતી 1 હેક્ટરથી ઓછી છે. 4500 નાના ખેડૂત જેમની ખેતી 1થી 2 હેક્ટર જેટલી છે. 25 મધ્યમ ખેડૂત કે જેમની ખેતી 2થી 10 હેક્ટર જેટલી છે અને 20 મોટા ખેડૂત છે કે જેમની ખેતી 10 હેક્ટર કરતાં પણ વધુ છે. ગામમાં હજુ પણ 10 હેક્ટર જેટલી જમીન ખેડાણ અને વાવેતર લાયક છે. જ્યારે સિંચાઇ હેઠળની 516 હેક્ટર જમીન છે. ગામનું ભલે શહેરીકરણ થયું, પરંતુ ગામના અનેક ખૂણાઓમાં હજુ પણ ખેતીની જમીન છે. ગામમાં આંબાવાડી પણ છે. તેમજ અનેક ઘરની બહાર પણ આંબો જોવા મળે છે. આ સિવાય અહીં ડાંગર તેમજ કેટલાક ખેડૂત કાંદાની પણ ખેતી કરે છે.
આખું ગામ તીસરી આંખની નજરમાં
વલસાડ શહેરને અડીને આવેલા આ ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગામની સુરક્ષા માટે અહીં 12 જેટલા હાઇડેન્સિટી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે રાત-દિવસ ગામની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. જેના થકી ગામ સુરક્ષિત બન્યું છે. ગામના જૂના વિસ્તારમાં ચોરીનું પ્રમાણ ખૂબ ઓછું છે, પરંતુ પાલિહીલ જેવા નવા વિકસેલા વિસ્તારમાં અનેક વખત ચોરીના બનાવો બનતા રહે છે. ત્યારે આ સીસીટીવી કેમેરા તેના પર નજર રાખવા માટે ખૂબ કારગત નીવડી રહ્યા છે.
ગામમાં મુસ્લિમોની મોટી વસતી, છતાં ભાજપ સમર્પિત સભ્ય-સરપંચની પેનલ
ભાગડાવડા ગામ શહેરને અડીને આવ્યું છે. અહીં મુસ્લિમોની મોટી વસતી છે. છતાં અહીં કોંગ્રેસ સમર્પિત સભ્યોનું નામોનિશાન નથી. અહીંના સરપંચ અને સભ્યોની ચૂંટણી પણ ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી જ હોય છે. હાલના સરપંચ ધર્મેશ પટેલ 4 ટર્મથી ઊભા રહે છે અને સતત વિજેતા રહે છે. વલસાડનું સૌથી મોટું ગામ હોય તેઓ સૌથી વધુ મતે જીતતા રહ્યા છે. આ વર્ષે પણ તેમની પેનલના 90 ટકા સભ્ય વિજેતા બન્યા છે. તેમની વિરુદ્ધ પેનલ પણ ભાજપ સમર્પિત જ હતી. અહીંના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય પણ ભાજપના જ છે. ત્યારે આખું ગામ ભાજપમય હોવાનું કહી શકાય એમ છે.
રાશે. જેના થકી ગામના જ નહીં, પરંતુ શહેર તેમજ જિલ્લાભરના ક્રિકેટ રસિકો તેનો લાભ લઇ શકશે.
ગામ રેસ્ટોરન્ટ અને મોલથી ધમધમી રહ્યું છે
વલસાડ શહેરમાં પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર એન્કર હાઇટ્સ બિલ્ડિંગ ભાગડાવડાની હદમાં આવે છે. ત્યારે આ એપાર્ટમેન્ટની તમામ રેસ્ટોરન્ટ, તેમજ ત્યાંથી લઇ વાંકી નદીના બ્રિજ સુધીની પાલિહીલ રોડની તમામ હોટેલો, દુકાનો અને મોટો મોલ પણ ભાગડાવડા ગામની હદમાં જ છે. વલસાડનો એમસ્ક્વેર મોલ તિથલ રોડની નહીં, પરંતુ ભાગડાવડાની શાન બની રહ્યો છે. ત્યારે આ ગામને જિલ્લાનું સૌથી સમૃદ્ધ ગામ કહી શકાય.
તીથલ દરિયા કિનારામાં પણ ભાગડાવડા ગામનો ભાગ આવેલો છે
વલસાડ તિથલ બીચમાં પણ થોડો ભાગ ભાગડાવડા ગામની હદમાં આવે છે. વલસાડ તિથલ બીચ પર સ્મશાનભૂમિથી લઇ સ્વામિનારાયણ કેન્ટીન સુધીનો દરિયા કિનારો ભાગડાવડા ગામની હદમાં છે. જ્યારે ઔરંગા નદીનો કેટલોક ભાગ પણ ભાગડાવડા ગ્રામ પંચાયત અંતર્ગત આવે છે. ભવિષ્યમાં ઔરંગા નદીના કિનારે પાળા બનાવવાનું તેમજ રિવર ફ્રન્ટ બનાવવાનું પણ આયોજન ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાઇ રહ્યું છે. જો કે, આ મોટો પ્રોજેક્ટ હોય, તેમાં સમય નીકળી જાય એવું લાગી રહ્યું છે.
વરસાદી પાણીના નિકાલ માટે પંચાયત સક્રિય
ભાગડાવડા ગામમાં વરસાદી પાણીનો કેટલાંક સ્થળોએ વર્ષોથી ભરાવો થતો હતો. જેને લઇ લોકોને મોટું નુકસાન થતું હતું. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે ભાગડાવડા ગ્રામ પંચાયત હાલ સક્રિય બની છે. તેમના દ્વારા ગોયા તળાવ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે મોટાં મોટાં ભૂંગળાં નાખી વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવાઇ છે. આ સિવાય ગામના અન્ય વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા થઇ રહી છે. જો કે, મહત્તમ વિસ્તારમાં આ સુવિધા થઇ જતાં આગામી ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાવાની સમસ્યા ન રહે એવી આશા સેવાઇ રહી છે.
સમૃદ્ધ ગામમાં 140 પરિવાર બીપીએલ
ભાગડાવડા ગામમાં અનેક ધનાઢ્ય લોકોના બંગલા છે, અનેક મોટાં મોટાં હાઇફાઇ એપાર્ટમેન્ટ્સ છે, મોલ છે. શોપિંગ કોમ્પ્લેક્સ છે, પરંતુ હજુ પણ ગામમાં 140 પરિવાર બીપીએલ (બિલો પોવર્ટી લાઇન) અંતર્ગત આવે છે. જેમની સુવિધા માટે ગામમાં સસ્તા અનાજની દુકાન પણ કાર્યરત છે. તેમજ એક સરકારી પ્રાથમિક શાળા પણ છે. ગામની અંદાજિત 12 હજારની વસતી પૈકી 3 હજાર જેટલી વસતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિની છે. હજુપણ ગામમાં 10 ટકા જેટલા લોકો નિરક્ષર છે. ગામનો સાક્ષરતા દર 90 ટકા જેટલો જ છે.
મંદિરો અને મસ્જિદો આસ્થાનું કેન્દ્ર
ભાગડાવડા ગામમાં વલસાડનું વર્ષોપુરાણું રામજી મંદિર આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનો હમણા જીર્ણોદ્ધાર થયો અને અયોધ્યાની પ્રતિકૃતિ સમાન મંદિર અહીં બની રહ્યું છે. આ સિવાય ગામના દાદિયા ફળિયાનું અંબામાતા મંદિર પણ આસ્થાનું કેન્દ્ર છે. આ સિવાય ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર અને સ્વામિનારાયણ મંદિર પણ છે. ગામના ગ્રીન પાર્ક વિસ્તારમાં મુસ્લિમોની સારી એવી વસતી છે. ત્યારે તેમના દ્વારા અહીં બે મસ્જિદ પણ બનાવાઇ છે. ત્યારે ગામમાં મહત્ત્વનાં મંદિર સાથે બે મોટી મસ્જિદ તેમજ મદ્રેસા પણ ધમધમી રહ્યાં છે. જો કે, ગામમાં કોમી એખલાસનું વાતાવરણ હંમેશાં જળવાયેલું રહ્યું છે.
10 કોલેજ ધરાવતું ગામ શિક્ષણનું કેન્દ્ર બન્યું


વલસાડની કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, આર્ટસ, લો સહિતની કોલેજો વર્ષોથી એક જ સંકુલમાં આવી છે. આ સિવાય નવી બનેલી કોલેજ પણ આ સંકુલની બાજુમાં જ શરૂ થઇ છે. ત્યારે નવી અને જૂની મળી કુલ 10 કોલેજ ભાગડાવડા ગામમાં વર્ષોથી કાર્યરત છે, જેમાં શાહ એન.એચ.કોમર્સ કોલેજ, બી.કે.એમ. સાયન્સ કોલેજ, જે.પી.શ્રોફ આર્ટસ કોલેજ, લો કોલેજ, બીસીએ, બીબીએ, એમકોમ, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, પોલિટેકનિક કોલેજ વગેરે કોલેજો આ જ ગામમાં છે. ત્યારે આ ગામ ઉચ્ચ શિક્ષણ માટે જિલ્લાનું હબ વર્ષોથી છે. પહેલા આખા જિલ્લામાંથી આ ગામની કોલેજમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હતા. જો કે, હવે જિલ્લામાં અન્ય તાલુકાઓમાં કોલેજ બની જતાં આ કોલેજમાં વલસાડ શહેરી વિસ્તારના જ મહત્તમ વિદ્યાર્થીઓ આવે છે. જો કે, હજુપણ લો કોલેજમાં જિલ્લાભરમાંથી તેમજ ડિગ્રી એન્જિનિયરિંગ અને પોલિટેક્નિક કોલેજમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે.

મંદિરો અને મસ્જિદો આસ્થાનું કેન્દ્ર


ભાગડાવડા ગામમાં વલસાડનું વર્ષોપુરાણું રામજી મંદિર આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનો હમણા જીર્ણોદ્ધાર થયો અને અયોધ્યાની પ્રતિકૃતિ સમાન મંદિર અહીં બની રહ્યું છે. આ સિવાય ગામના દાદિયા ફળિયાનું અંબામાતા મંદિર પણ આસ્થાનું કેન્દ્ર છે. આ સિવાય ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર અને સ્વામિનારાયણ મંદિર પણ છે. ગામના ગ્રીન પાર્ક વિસ્તારમાં મુસ્લિમોની સારી એવી વસતી છે. ત્યારે તેમના દ્વારા અહીં બે મસ્જિદ પણ બનાવાઇ છે. ત્યારે ગામમાં મહત્ત્વનાં મંદિર સાથે બે મોટી મસ્જિદ તેમજ મદ્રેસા પણ ધમધમી રહ્યાં છે. જો કે, ગામમાં કોમી એખલાસનું વાતાવરણ હંમેશાં જળવાયેલું રહ્યું છે.

Most Popular

To Top