World

હોર્મુઝ સંકટ વચ્ચે ઈરાનની કમાણીમાં ઉછાળો

રોજના $139 મિલિયન સુધી પહોંચ્યો તેલ આવકનો આંકડો

મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ અને હોર્મુઝ જળમાર્ગના સંકટ વચ્ચે ઈરાન માટે આર્થિક રીતે આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે. તાજેતરના અહેવાલ મુજબ, ઈરાન હાલમાં તેલ વેચાણથી દરરોજ આશરે $139 મિલિયન (અંદાજે ₹1,150 કરોડ) જેટલી આવક મેળવી રહ્યું છે, જે યુદ્ધ પહેલાંની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.

યુદ્ધની શરૂઆત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ $100 પ્રતિ બેરલથી વધુ પહોંચી ગયા છે. આ સ્થિતિમાં ઈરાનને ડબલ ફાયદો થયો છે. એક તરફ તેનું મુખ્ય ‘Iranian Light’ ક્રૂડ બ્રેન્ટની સરખામણીએ છેલ્લા 10 મહિનામાં સૌથી ઓછા ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યું છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા તેની આવકમાં જંગી વધારો થયો છે.

માહિતી અનુસાર, માર્ચ મહિનામાં ઈરાનના તેલ નિકાસનો આંકડો રોજના અંદાજે 1.6 મિલિયન બેરલ સુધી સ્થિર રહ્યો છે. ખાસ કરીને ચીન જેવા દેશો ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યા છે. ખાર્ગ આઇલેન્ડ ટર્મિનલ પરથી ટેન્કરો સતત લોડ થઈ રહ્યા છે અને હોર્મુઝ જળમાર્ગ મારફતે નિકાસ થઈ રહી છે. બીજી તરફ, સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક અને કૂવૈત જેવા દેશો પર હુમલાઓ અને અવરોધોને કારણે તેમની નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે. કેટલાક દેશોએ વિકલ્પ માર્ગો અપનાવવા મજબૂર થવું પડ્યું છે, જ્યારે ઈરાન સામાન્ય રીતે નિકાસ ચાલુ રાખવામાં સફળ રહ્યું છે.

આ ઉપરાંત, ઈરાન હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા કેટલાક વેપારી જહાજો પાસેથી ટ્રાંઝિટ ફી તરીકે $2 મિલિયન સુધી વસૂલ કરી રહ્યું છે, જે તેની વધારાની આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત બની રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત હવાઈ હુમલાઓ છતાં, ઈરાનની તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટાભાગે સુરક્ષિત રહી છે. ખાસ કરીને ખાર્ગ આઇલેન્ડ અને જાસ્ક ટર્મિનલ પર પ્રવૃત્તિ યથાવત રહી છે. સેટેલાઈટ તસ્વીરોમાં પણ સુપરટેન્કરોની સતત હાજરી જોવા મળી રહી છે.

વિશેષજ્ઞોના મત અનુસાર, અમેરિકાએ કેટલાક ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપતા ઈરાનને વધુ ફાયદો થયો છે. જોકે, યુદ્ધ હજુ યથાવત છે અને રાજનૈતિક સ્તરે તણાવ યથાવત રહેતા પરિસ્થિતિ અનિશ્ચિત છે. આ સમગ્ર સંજોગોમાં ઈરાન માટે આર્થિક રીતે મજબૂત સ્થિતિ ઉભી થઈ છે, જ્યારે અન્ય ગલ્ફ દેશો માટે આ સંકટ ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે.

Most Popular

To Top