ગાંધીનગર,તા.22
ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય રૂપે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલ તા. 23 માર્ચથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ખરીદી માટેનું આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે.
વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ખેડૂતોને સરળતા રહે તે માટે વિશાળ સ્તરે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ચણાની ખરીદી માટે 165 અને રાયડાની ખરીદી માટે 60 કેન્દ્રો શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે આ વર્ષે ચણા માટે 2.59 લાખથી વધુ અને રાયડા માટે 37 હજારથી વધુ ખેડૂતો નોંધણી કરાવી ચૂક્યા છે, જેને આ યોજના દ્વારા સીધો લાભ મળશે.રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં પાકની ખરીદી કરવામાં આવશે. આ સાથે ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે આ વર્ષે પ્રથમવાર આધાર આધારિત બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેથી ફક્ત સાચા ખેડૂત પાસેથી જ ખરીદી થાય તે સુનિશ્ચિત કરી શકાય.
ખેડૂતોને અનુકૂળતા રહે તે માટે જો કોઈ ખેડૂત વ્યક્તિગત રીતે હાજર રહી ન શકે તો તેમના દ્વારા નિયુક્ત કરાયેલ પ્રતિનિધિ (નોમીની) પણ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. ઉપરાંત, ખરીદી કેન્દ્રો પર ભીડ ન વધે તે માટે ખેડૂતોને SMS દ્વારા અગાઉથી સમય અને તારીખની જાણ કરવામાં આવશે, અને તે મુજબ પાક લઈને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.આ પહેલથી રાજ્યના લગભગ 2.96 લાખથી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે અને બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને મોટી રાહત મળશે.