SURAT

સુરતના ડિંડોલીમાં સામાન્ય બોલાચાલીમાં મિત્ર વચ્ચે થયો ઉગ્ર ઝઘડો, છરીના ઘા મારતાં યુવકનું મોત

સુરતમાં વધતા ક્રાઇમ અને યુવકોની બદલાતી માનસિકતા અને ઓછી સહનશીલતાનો વધુ એક દાખલો સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રો વચ્ચે થયેલો સામાન્ય ઝઘડો ઘાતકી બની ગયો હતો. ભેસ્તાન આવાસ નજીક 21 માર્ચની રાત્રે નાસ્તો કરવા ગયેલા બે મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને મતભેદ સર્જાયો હતો. ઉશ્કેરાયેલા રકબીરસિંહ ઉર્ફે રઘુ (ઉંમર 22) એ પોતાના મિત્ર આકાશ સંજયભાઈ પાટીલ (ઉંમર 27) પર છરી વડે હુમલો કર્યો, જેમાં આકાશ ગંભીર રીતે ઘવાયો હતો અને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવની ગંભીરતા જોઈને ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી કાર્યવાહી દ્વારા માત્ર કેટલાંક કલાકોમાં જ રઘુને ઝડપી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, બંને 8-9 મહિનાથી મિત્રો હતા. બનાવના દિવસે આકાશના અન્ય મિત્રોને મળવાનું હોવાને કારણે તે રઘુ સાથે પાછા આવવા તૈયાર ન થયો, અને આ જ બાબતે ઉગ્ર ઝઘડો બંને વચ્ચે થયો.

ઝડપાયેલ આરોપીનો પૂર્વ ગુનાહિત રેકોર્ડ પણ છે. પલસાણા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને લૂંટના કેસ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હથિયારબંધીના કાયદા ઉલ્લંઘનના કેસમાં સંડોવાયેલો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. હાલ પોલીસે રઘુ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એસીપી એન.પી. ગોહિલે જણાવ્યું કે, ડિંડોલી પોલીસ સ્ટેશન ગુનાઓમાં સંડોવાયેલા તમામ લોકો પર સતત સર્વેલન્સ રાખશે. ડિંડોલી પોલીસ સ્ટેશને બોડી ઓફેન્સિસ ગુનાઓમાં તેજીથી વધતા કેસોને ધ્યાનમાં રાખીને એક પ્લાન ઓફ એક્શન તૈયાર કર્યો છે. જેમાં જે વ્યક્તિઓ બે કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોય, તેમના ઉપર સતત નજર રાખવા માટે સ્ટાફના દરેક સભ્ય અને ચોકીઓ પર નિમણૂક કરવામાં આવી છે. એમની પ્રવૃત્તિઓ પર નિકટ દેખરેખ રાખી રહી છે, જેથી ગુનાખોરો સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી થઈ શકે. પરિવારમાં દીકરાના મૃત્યુને લઈને શોકનો માહોલ છે, અને સમગ્ર સુરતમાં આ ઘટના પછી લોકમુખે એક સવાલ છે, કે શું સુરત ધીરેધીરે ક્રાઇમસીટી થઈ રહ્યું છે?

Most Popular

To Top