Vadodara

ખાનગી શાળા માટે સરકારી શાળાને નોટિસ આપતા વિવાદ,આચાર્યે દુઃખની બાબત ગણાવી

બાળકોની સાથે કામ કરવાની શૈલીમાં સહેજ પણ ફરક આવવાનો નથી પ્રાર્થના થશે : જિગર ઠાકર

કવિદુલા કાગ પ્રા.શાળામાં લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે ખાનગી શાળાની લેખિત ફરિયાદને લઈ શિક્ષક સંઘ લાલઘૂમ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં લાઉડ સ્પીકર પર પ્રાર્થના વગાડવાના મામલે એક ખાનગી શાળા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવતા ડીઈઓ દ્વારા શાસનાધિકારીને પત્ર વ્યવહાર બાદ તેઓ દ્વારા પ્રા.શાળાના આચાર્યને ખુલાસા સાથેની નોટિસ પાઠવવામાં આવતા વિવાદ થયો છે. જોકે, આ મામલે સમિતિના શિક્ષક સંઘ દ્વારા શાસનાધિકારીને રજુઆત કરી હતી. જેમાં આ પ્રકારના વલણને કારણે શિક્ષકોનું મનોબળ તૂટતું હોવાની વાત પણ કરી હતી.

કવિ દુલા કાગ પ્રા.શાળાના આચાર્ય જિગર ઠક્કરે જણાવ્યું હતું કે, દુઃખ થાય છે કે, અમારી સંસ્થા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હોય અને ગવર્મેન્ટની ગાઈડ લાઈન અનુસાર જ શાળામાં બાળકોના સંસ્કારનું સિંચન કરવા માટે અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના થતી હોય અને એ અંતર્ગત જો પ્રાઇવેટ સંસ્થા દ્વારા રજૂઆત ડીઈઓ સુધી કરવામાં આવે અને શાસનાધિકારી દ્વારા જો અમોને સરકારી સંસ્થાને આ બાબતની નોટિસ આપવામાં આવે તો આ ખૂબ જ દુઃખદ ઘટના છે. ને દુઃખ કહેવાય કે જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં, અમારા શિક્ષકોનું મોરલ પણ આના લીધે ડાઉન થયું છે. હું મારું કાર્ય બીજાની લીટી ટૂંકી કરવા માટે ક્યારે કરતો નથી, મારી લીટી કઈ રીતે લાંબી થાય એ માટે જ હું કાર્ય કરતો આવ્યો છું. છેલ્લા પાંચ વર્ષની અંદર અમારી સંસ્થામાં 500 બાળકોથી લઈને આજે 1000 બાળકો પહોંચ્યા છે. પીએમસીમાં અમારો સમાવેશ થયો છે. શાળાનો સ્કૂલ ઓફ એક્સેલન્સ ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી સારી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ સારી સુવિધા આપવામાં આવતી હોય છે. પરિણામે આસપાસના વિસ્તારના જે બાળકો છે, એ અમારી સ્કૂલથી પ્રેરિત થયા છે અને દિવસે દિવસે સંખ્યા વધી રહી છે. એટલે એ બાબતે કેમ આવું થયું એક મોટો પ્રશ્ન છે. શાસનાધિકારીએ કીધું છે કે, આ બાબતે યોગ્ય તપાસ કરી જાણી લઈશું સાચું કારણ શું છે. અને અરજદારની શું અરજી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. પ્રાર્થના તો હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. જેમ મંદિરમાં સવારમાં આરતીથી શરૂઆત થતી હોય તો શૈક્ષણિક સંસ્થામાં પણ પ્રાર્થનાથી જ શરૂઆત થાય છે. આના કારણે જે બાળકોની સાથે કામ કરવાની જે અમારી શૈલી છે. એમાં સહેજ પણ ફરક આવવાનો નથી.

અરજીમાં પ્રાર્થનાનો નહિ લાઉડ સ્પીકરને જોરથી વગાડીને શિક્ષણ કાર્યમાં ખલેલનો ઉલ્લેખ

કવિ દુલા કાગ પ્રા.શાળાની બાજુમાં આવેલી ખાનગી શાળા કે, જે વર્ષોથી સાથે કાર્યરત છે અને એમના તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીને સંબોધી રજૂઆત આવી અને જે રજૂઆત છે, એ પરત્વે અમારી શાળાના આચાર્ય શું કહેવા માંગે છે કે ખરેખર આ વાસ્તવિક ઘટના હતી શું છે. એ જાણવા અહીંથી પત્ર વ્યવહાર કર્યો છે. એટલે આમાં બીજો કોઈ વિષય નથી. અરજીમાં પ્રાર્થના નો કોઈ ઉલ્લેખ નથી, અરજીમાં લાઉડ સ્પીકરનો જોરથી વગાડીને એમને શિક્ષણ કાર્યમાં ખલેલનો ઉલ્લેખ છે એ મહત્વનું છે અને બે ત્રણ એવી બાબતો છે જેનું સંજ્ઞાન લેવું પડે, જેમાં અમારી શાળામાં કોઈ પ્રશ્ન ન થાય એના માટે કરી અને અમારા આચાર્ય પાસેથી ઘટના જાણવી જરૂરી છે : ડો.વિપુલ ભરતીયા,શાસનાધિકારી

ખાનગી શાળાના ઈશારે ડીઈઓની સરકારી શાળા સામે કાર્યવાહીથી વિવાદ

જાહેર મંચ પર એક અધિકારી તરીકે ના શોભે તેવું ભાજપના એક પદાધિકારીને પગે પડનાર જિલ્લા શિક્ષણાધિકારીની આ હરકત બાદ વિવાદ થયો હતો. જે બાદ ખાનગી પબ્લિકેશને પત્ર લખી વિનંતી કરતા ડીઈઓએ સરકારી અને ખાનગી સ્કૂલોને પુસ્તકો ખરીદવા ભલામણ કરતા પણ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે, હવે ફરી એક વખત ડીઈઓ સરકારના નીતિ નિયમોને નેવે મૂકી ખાનગી શાળાઓના ઈશારે કામ કરવા જાણે ટેવાયેલા ના હોય તેવી ઘટના સામે આવી છે. ખાનગી શાળાના ઈશારે તેમણે સરકારી શાળા સામે માત્ર પ્રાર્થના લાઉડ સ્પીકર પર વગાડવા જેવી બાબતે કાર્યવાહી કરતા શિક્ષણ સમિતિનું શિક્ષક સંઘ લાલઘૂમ થયું છે અને તેઓની આ કાર્યવાહીની નિંદા કરી છે.

પ્રથમ વખત એવું થયું કે કોઈ સરકારી શાળાને કોઈ ખાનગી શાળાના કહેવાથી નોટીસ આપી :

જે થયું છે એ ખોટું કહેવાય, આ વસ્તુ ચાલે જ નહીં અમને દુઃખ એકજ વાતનું છે કે, નોટિસમાં એવું લખેલું છે જોર જોરથી શાળામાં લાઉડ સ્પીકર વગાડવામાં આવે છે. હવે શાળાની અંદર કાંતો બાળકોની એક્ટિવિટી હોય અને પ્રાર્થના અને મેક્સિમમ ઉપયોગ પ્રાર્થનાથી જ થતો હોય અને એ ગુજરાત સરકારની ગાઈડ લાઈન છે તમારે 20 મિનિટ પ્રાર્થના કરવી. આ શાળાની અંદર બે પાળીમાં સ્કૂલ ચાલે છે. એટલે સવારે મોર્નિંગમાં 20 મિનિટ પ્રાર્થના થાય અને 12:20 મિનિટે પ્રાર્થના થાય. દુઃખ એ વાતનું હતું કે આ બાબતે રજૂઆત સીધી શાસનાધિકારીને કરી, એમણે પ્રાથમિક સ્કૂલના આચાર્યને પૂછવાનું હતું કે, આમાં શું છે. કવિ દુલા કાગ પ્રા.શાળા એટલે એક રોલ મોડલ શાળા છે. આખી શિક્ષણ સમિતિની પણ આ આચાર્યને કોઈકને કોઈક રીતે માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે એવું ફલિત થાય છે. બીજું કોઈને કોઈ જગ્યાએ આવી બધી એક્ટિવિટીથી ખાનગી સ્કૂલને પ્રાધાન્ય મળે આ પ્રથમ વખત એવું થયું કે કોઈ સરકારી શાળાને કોઈ ખાનગી શાળાના કહેવાથી નોટીસ આપી વાત એ થઈ એટલે અમારે આગળ પગલાં ભરવા પડ્યા છે : પીનાકીન પટેલ,પ્રમુખ શિક્ષક સંઘ

Most Popular

To Top