મોડી સાંજે તેજ પવનથી અફરાતફરી, વીજ પુરવઠો ખોરવાયો
બોર્ડ-બેનરો ઉડ્યા, લોકોની દૈનિક જીવનશૈલી પર અસર
હાલોલ: હાલોલ નગર તેમજ તાલુકામાં ઉનાળાની ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુરુવારની મોડી સાંજે પૂર ઝડપે વાવાઝોડું ફૂંકાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભારે પવનના ઝોકાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં અંધકાર છવાયો હતો. ઉપરાંત, કેટલાક સ્થળોએ નાના-મોટા બોર્ડ અને બેનરો ઉડી જવાના બનાવો બન્યા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જેના કારણે વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
વાવાઝોડાના કારણે એક સમયે લોકોના દૈનિક જીવન પર અસર પડી હતી. નોકરી-ધંધાથી ઘરે પરત ફરી રહેલા લોકો રસ્તામાં અટવાઈ ગયા હતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી હતી, જેના કારણે ઉનાળામાં પણ બેવડી ઋતુ જેવો માહોલ સર્જાયો છે. મોડી સાંજે ફૂંકાયેલા ઠંડા પવન સાથેના વાવાઝોડાએ લોકોને ભારે હાલાકીનો સામનો કરાવ્યો હતો.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ