Vadodara

તુલસીવાડીમાં લોહિયાળ ખેલ, યુવક પર તલવાર અને ગુપ્તીથી જીવલેણ હુમલો

અંગત અદાવતમાં હુમલાખોરોનો આતંક, રોકડ અને સોનાની ચેનની લૂંટના પણ આક્ષેપ

હુમલો કરનાર યુવક ☝️

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી તુલસીવાડીમાં ગત રાત્રે ભયનો માહોલ સર્જાયો હતો. જૂની અંગત અદાવતને રાખીને કેટલાક અસામાજિક તત્વોએ એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં ગત રાત્રે હુમલાખોરોએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરો તલવાર અને ગુપ્તી જેવા જીવલેણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના માત્ર હુમલા પૂરતી સીમિત રહી નથી. ઈજાગ્રસ્ત યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હુમલાખોરોએ માર મારવાની સાથે તેની પાસેથી રોકડ રકમ અને સોનાની ચેનની પણ લૂંટ ચલાવી છે. સોનાની ચેઇન નો અડધો ટુકટો મળ્યો છે. બનાવની જાણ થતા જ કારેલીબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે ભોગ બનનારના નિવેદનના આધારે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવકના જણાવ્યા મુજબ હુમલાખોરને અંબે માતાના મંદિર પાસે પેશાબ ન કરવાનું કહેતા તેણે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હુમલાખોર યુવાન સયાજી હોસ્પિટલમાં જઈને ઇજાગ્રસ્ત યુવાનને અને તેના પરિવારજનોને ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top