વીજ વાયરો બદલવા MGVCL દ્વારા પૂર્વ જાણ વગર લાઇન બંધ, લોકો મુશ્કેલીમાં
ખેતી માટેની વીજલાઇન બંધ થતાં સિંચાઈ અટકી, ઊભો પાક સુકાવાની ભીતિ
નસવાડી: નસવાડી તાલુકાના પાંચ જેટલા ગામો તેમજ સિરાફીદર વિસ્તારની ખેતી માટેની વીજલાઇન અચાનક બંધ કરી દેવાતા ગામડાઓમાં હાલાકીભરી સ્થિતિ ઊભી થઈ છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કોઈપણ પૂર્વ જાણ કર્યા વગર વીજ વાયરો બદલવાના કામ માટે વીજ પુરવઠો બંધ કરાતા લોકોમાં રોષ ફેલાયો છે.
ભગવાનપુરા, વેલાડી, ચૂનાખાણ, વાઘીયા અને સિંધીકુવા સહિતના ગામોમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ મળતો 24 કલાકનો વીજ પુરવઠો અચાનક ખોરવાતા પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. વીજ પુરવઠો બંધ રહેતા પાણીની મોટર બંધ થતાં લોકોને ત્રાહિમામ પોકારવી પડી હતી.
સાથે જ સિરાફીદર વિસ્તારમાં ખેતી માટેની વીજલાઇન બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ખેતરોમાં ઊભો પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો આખો દિવસ વીજ પુરવઠાની રાહ જોઈને બેઠા રહ્યા હતા.
સ્થાનિક લોકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ પુરવઠો બંધ કરતા પહેલા કંપની દ્વારા કોઈ સૂચના આપવામાં આવી નહોતી, જ્યારે નિયમ મુજબ પૂર્વ જાણ કરવી આવશ્યક છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર: સર્વેઝ મેમણ