Vadodara

મકરપુરા GIDCમાં કોર્પોરેશનની ઘોર બેદરકારી, રોડની કામગીરી દરમિયાન કાર ખાડામાં ખાબકી

ગોકળગાયની ગતિએ ચાલતા કામ અને સુરક્ષાના અભાવે વાહનચાલકો પરેશાન; ટેમ્પો ચાલકે દોરડા વડે કાર બહાર કાઢી,

વડોદરા : શહેરના ઔદ્યોગિક હબ ગણાતા મકરપુરા GIDC વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી રોડની કામગીરી દરમિયાન યોગ્ય બેરીકેડ કે સુરક્ષાના સાધનોના અભાવે એક કાર ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. તંત્રની આ લાપરવાહીને કારણે કાર ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મકરપુરા GIDCમાં હાલમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં રોજના હજારો ભારે અને નાના વાહનોની અવરજવર રહેતી હોય છે. નિયમ મુજબ જ્યાં કામ ચાલતું હોય ત્યાં આડશ કે ચેતવણીના બોર્ડ મારવા અનિવાર્ય છે, પરંતુ અહીં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર દ્વારા આવી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગતરોજ એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ પરના જોખમી ખાડામાં કારનું ટાયર ફસાઈ ગયું હતું અને કારનો આગળનો ભાગ ખાડામાં ખાબક્યો હતો.

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર વ્યક્તિઓને કોઈ મોટી ઈજા થઈ નહોતી, પરંતુ કારને મોટું નુકસાન થયું હતું. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત ટેમ્પો ચાલકે પોતાની માનવતા બતાવી હતી. તેણે દોરડાની મદદથી કારને ટેમ્પો સાથે બાંધીને મહેનતપૂર્વક ખાડામાંથી બહાર ખેંચી હતી. જો સમયસર મદદ ન મળી હોત તો અન્ય વાહનો સાથે અથડામણ કે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
આ ઘટનાએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામ કરવાની પદ્ધતિ અને કોન્ટ્રાક્ટરો પરના નિરીક્ષણના અભાવ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. શું કોઈ મોટી જાનહાનિ થાય ત્યાર પછી જ તંત્ર જાગશે? તેવો પ્રશ્ન હાલ જનતા પૂછી રહી છે.

Most Popular

To Top