ગુડી પડવાના પવિત્ર અવસરે શાસ્ત્રોક્ત વિધિથી ગુડી પૂજન કરાયું; આદ્યશક્તિની આરાધના માટે મંદિરોમાં વહેલી સવારથી જ કતારો લાગી
(પ્રતિનિધિ), વડોદરા. તા.19
ગુરુવારથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ માઈ મંદિરોમાં વહેલી સવારથી જ ‘જય માતાજી’ના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અને સુપ્રસિદ્ધ પૌરાણિક શ્રી બહુચરાજી માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસને ‘ગુડી પડવો’ તરીકે પણ ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ બહુચરાજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી ગુડીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મંદિરના પુજારી બિરેન રમેશચંદ્રએ જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ નવ દિવસો દરમિયાન ભક્તો વ્રત, જપ, તપ, અનુષ્ઠાન અને દાન કરીને માતાજીની આરાધના કરે છે. વિદ્વાન ભૂદેવો દ્વારા આ દિવસોમાં સંપૂટ ચંડીપાઠ, દેવીયાગ અને નવાણ મંત્રના જાપ કરવામાં આવે છે.

આગામી તારીખ 26 માર્ચ 2026, ગુરુવારના રોજ અષ્ટમી હોવાથી મંદિરમાં પરંપરાગત રીતે હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે મંદિર સવારે 7:00 કલાકે ખુલશે અને રાત્રે 9:00 કલાકે બંધ થશે. ભક્તો માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે. આજે નવરાત્રીના પ્રારંભે વડોદરાના અન્ય મંદિરોમાં પણ માતાજીના નવ સ્વરૂપોનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ વહેલી સવારથી જ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

:- ઐતિહાસિક અને પૌરાણિક કથા…
પુજારીજીએ કહ્યું કે, ધાર્મિક દૃષ્ટિકોણથી આ માસ ખૂબ જ પવિત્ર છે કારણ કે:
*ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું.
*ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો.
*નવમા દિવસે (રામ નવમી) ભગવાન વિષ્ણુએ શ્રી રામ તરીકે અવતાર લીધો હતો.
*ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો.