Business

બીક એટલે એક પ્રકારનો ડર

બીક એટલે એક પ્રકારનો ડર, ભય, ભીતિ, ધાસ્તી કે દહેશત. બીક બતાવવી અને બીક રાખવી બન્ને વચ્ચે તફાવત છે. બીક અનેક પ્રકારની હોય છે. વ્યક્તિએ વ્યક્તિએ બીક, ડર જુદા જુદા પ્રકારનાં હોય છે. જુદા સમયે-પરિસ્થિતિએ અલગ પ્રકારનો ડર મનમાં ઊભો થતો હોય છે. ક્યારેક એ કાલ્પનિક પણ હોઈ શકે અને ક્યારેક એ વાસ્તવિક પણ હોઈ શકે છે. આજે વાત કરવી છે અલગ પ્રકારની અનોખી બીકની. તે છે સમાજની બીક. સમાજ એટલે એકસરખા ધર્મ, આચારવાળો લોકસમૂહ. એક સમુદાય, જનમંડળ, જનતા. સંઘ, શિષ્ટ સમાજ એટલે આપણી સોસાયટી. બીકમાં એક પ્રકારની ચિંતા, કાળજી અને ફિકરનો પણ સમાવેશ થાય છે.

સમાજના નિશ્ચિત ધારા-ધોરણ, પરંપરા પ્રમાણે મર્યાદા મુજબનું વર્તન કરવામાં આવે તો યોગ્ય કહેવાય. સમાજને શોભે, સમાજ ગૌરવ અનુભવે એવું વર્તન, ચારિત્ર્ય હોવું જોઈએ. સમાજ પ્રત્યેની વ્યક્તિની કેટલીક ફરજો હોય છે તે પણ નિભાવવી રહી. અલબત્ત, ક્યાંક એકમેકને જોઈને લક્ષ્મીનું વરવું પ્રદર્શન જોવા મળે છે. સમાજપંચ અનેક નિયમો બનાવે છે પણ કંઈક કેટલાય દંડ ભરીને પણ પોતાના પ્રસંગો ઉજવતા જોવા મળે છે. હા, પોતાની આર્થિક પરિસ્થિતિ સધ્ધર  હોય એવાં લોકોને આ કદાચ શોભે પણ ખરું, પણ જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવાં લોકો અન્ય લોકોને જોઈને સમાજની બીક રાખીને એવા ખર્ચ કરતા હોય છે કે આખી જિંદગી દેવામાં ડૂબી જાય છે અને પછી ભીખ માંગવાનો વારો આવે છે.

સમાજના  નિયમો, રૂઢિ, રિવાજો ઘડવામાં આવેલા હોય તેનું કાયદાની જેમ ચોક્કસ પાલન કરવું જોઈએ. જો કે બીજાને જોઈને, સમાજની બીક રાખીને લખલૂંટ ખર્ચ સાથે, ગજા બહારનું દેવું કરી જીવવામાં છેવટે ગેરફાયદા થાય છે. સમાજની બીકે દેવાદાર બનવામાં એક પ્રકારની બુદ્ધિનું વરવું પ્રદર્શન છે. હા, પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચ ઘટાડીએ અને સાદાઈથી પ્રસંગોની ઉજવણી કરીએ તો આવનારા દિવસોમાં પરિવર્તન આપણી રાહ જોઈને બેઠું હોય છે. ચાલો, ખોટી બીકને કારણે સમયને થતો અન્યાય દૂર કરવા કટિબદ્ધ થઈએ.
નવસારી     – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top