આજે અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો 16મો દિવસ છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આજે કહ્યું કે જો યુદ્ધના અંતની નક્કર ગેરંટી મળે છે તો અમે અમેરિકા અને ઈઝરાયલ સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે યુદ્ધનો અંત લાવી શકે તેવા કોઈપણ પ્રસ્તાવનું સ્વાગત કરવામાં આવશે. દરમિયાન ગલ્ફ દેશોએ માંગ કરી છે કે ઈરાન તેમના પ્રદેશો પર હુમલા બંધ કરે.
અગાઉ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઈઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂનો શિકાર કરીને હત્યા કરવાની ધમકી આપી હતી. અલ જઝીરા અનુસાર IRGC એ કહ્યું હતું કે જો બાળકનો હત્યારો જીવતો હશે તો તેઓ તેનો સંપૂર્ણ બળથી પીછો કરશે અને તેને મારી નાખશે.
ઈરાને કહ્યું – સુપ્રીમ લીડર મુજતબા સંપૂર્ણપણે ઠીક છે
ઈરાને કહ્યું છે કે દેશના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની સંપૂર્ણપણે ઠીક છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. અગા, બ્રિટિશ મીડિયા આઉટલેટ ધ સને દાવો કર્યો હતો કે મુજતબા 28 ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયલી હુમલામાં ઘાયલ થયા હતા. ત્યારથી તેઓ કોમામાં છે અને તેમનો એક પગ કાપી નાખવો પડ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે મુજતબા ઘાયલ થયા હતા. જોકે અરાઘચીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે.
ઇઝરાયલે નેતન્યાહૂની હત્યાના અહેવાલોને નકારી કાઢ્યા
બીજી તરફ નેતન્યાહૂનો એક વિડિયો સંદેશ 13 માર્ચે સામે આવ્યો હતો. આ વિડિયોના એક ફ્રેમમાં તેમના જમણા હાથ પર છ આંગળીઓ દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાક યુઝર્સે આ વિડિયોને AI અથવા ડીપફેકને આભારી ગણાવ્યો અને દાવો કર્યો કે આ વાસ્તવિક નેતન્યાહૂ નથી. ત્યારબાદ દાવા કરવામાં આવ્યા હતા કે નેતન્યાહૂ ઈરાની હુમલામાં માર્યા ગયા હતા અથવા જર્મની ભાગી ગયા હતા. જો કે ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે વડા પ્રધાન સુરક્ષિત છે અને આવા અહેવાલો ખોટા છે.