ચાર્જ સંભાળતાં જ અધિકારીઓને સ્પષ્ટ આદેશ , ઓફિસ છોડો, મેદાનમાં ઉતરો
સ્વચ્છતા સર્વેક્ષણ અને પ્રિ-મોન્સુન કામગીરી પર ખાસ ફોકસ : સુરત મહાનગર પાલિકાના નવા વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા જ મિલિન્દ તોરવણે એકશન મોડમાં આવી ગયા છે. અત્યાર સુધી એર કન્ડીશન્ડ કેબિનમાં બેસીને કામકાજ ચલાવતા અધિકારીઓને હવે મેદાનમાં ઉતરીને કામગીરી કરવાની ફરજ પડી રહી છે. તોરવણે દ્વારા તમામ અધિકારીઓને ફરજીયાત ફિલ્ડમાં જઈને સ્થિતિની સમીક્ષા કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે
આદેશના પગલે શુક્રવારે સવારથી જ શ્રી તાપી ભવન ખાતે ઘણી ઓફિસો ખાલીખમ જોવા મળી હતી. મોટાભાગના અધિકારીઓ કેબિન છોડીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ કરતા નજરે પડ્યા હતા. અત્યાર સુધી એસી ઓફિસોમાં બેઠા બેઠા કામગીરીની માહિતી મેળવનારા અધિકારીઓને હવે કાળઝાળ ગરમી વચ્ચે સીધી મેદાની કામગીરી કરવાની ફરજ પડી રહી છે
ઉલ્લેખનીય છે કે ૧૧ માર્ચે સુરત સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાઓમાં શાસકોની ટર્મ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ગુરુવારે સાંજે સુરત મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે મિલિન્દ તોરવણે દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે તરત જ તમામ ઝોનલ અને વિભાગીય વડાઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી
બેઠક દરમિયાન તોરવણે અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે ફિલ્ડ લેવલ પર જવાની જરૂર છે. સ્વચ્છતા, ડ્રેનેજ, રોડ અને અન્ય પાયાની સુવિધાઓ અંગે જાતે સ્થળ પર જઈને સમીક્ષા કરવાની તેઓએ તાકિદ કરી હતી
આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે. સાથે સાથે ચોમાસું નજીક આવતાં પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે
વહીવટદારના આ કડક વલણને પગલે મનપાના અધિકારીઓમાં ફફદાત ફેલાઈ ગયો છે અને શહેરમાં હવે મેદાન પર વધુ સક્રિય કામગીરી જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે