કાળાબજારી અને સંગ્રહખોરી ડામવા વડોદરા સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ મેદાને, જિલ્લા પુરવઠા અધિકારીને અપાયું આવેદનપત્ર
(પ્રતિનિધિ), વડોદરા. તા.13
શહેરના હજારો નાના લારી ધારકોના જીવનનિર્વાહ પર તોળાતા સંકટને દૂર કરવા માટે આજે વડોદરા સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ દ્વારા એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. પ્રમુખ અરવિંદ સિંધાની આગેવાનીમાં લારી ધારકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુરવઠા અધિકારી ગીતા દેસાઈની મુલાકાત લીધી હતી અને પોતાની સળગતી સમસ્યાઓ અંગે વિગતવાર આવેદનપત્ર પાઠવ્યું હતું.

રજૂઆતમાં મુખ્યત્વે એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે, ભૂતકાળમાં જે રીતે રેશનકાર્ડ ધારકોને વાજબી ભાવની દુકાનો (PDS) પરથી કેરોસીન ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું, બરાબર એ જ રીતે લારી ધારકોને પણ રેશનિંગની દુકાનો પરથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવે.

લારી ધારકોની માંગ છે કે સરકારે નક્કી કરેલા ‘ભાવ થી ભાવ’ મુજબ જ સિલિન્ડર મળે, જેથી વચેટિયાઓ અને કાળાબજારી કરનારા તત્વોનો ત્રાસ દૂર થાય. આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં ગેસ સિલિન્ડરની અછત કે મોંઘવારીનો પ્રશ્ન ઉકેલાશે નહીં, તો અનેક પરિવારોની આજીવિકા છીનવાઈ જશે. લારી ધારકો પાસે ગેસ સિલિન્ડર સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જો બોટલ નહીં મળે તો ધંધા-રોજગાર બંધ થશે અને તેના કારણે હજારો પરિવારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.

સંગઠનના પ્રમુખ અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે, બજારમાં હાલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી ચરમસીમાએ છે. જો સરકાર રેશનિંગની દુકાનો દ્વારા વિતરણ વ્યવસ્થા ઉભી કરે, તો કાળાબજારી આપોઆપ નાબૂદ થઈ જશે. નાના લારી ધારકોને સસ્તો અને સરળતાથી ગેસ મળશે તો જ તેઓની રોજગારી ટકી રહેશે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પુરવઠા વિભાગ આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને નાના શ્રમજીવીઓના હિતમાં કોઈ નક્કર નિર્ણય લેવાય છે કે કેમ.