Sports

મેચ ફિક્સિંગ મામલે ICCની મોટી કાર્યવાહી, પૂર્વ IPL ક્રિકેટર જેવોન સેર્લ્સ સસ્પેન્ડ,અન્ય બે પણ તપાસના ઘેરામાં

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેચ ફિક્સિંગના મામલે કડક પગલાં લેતાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સેર્લ્સને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યો છે. ICCના જણાવ્યા મુજબ સેર્લ્સ પર ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સમગ્ર મામલો 2023-24 દરમિયાન બાર્બાડોસમાં રમાયેલી Bim10 લીગ સાથે જોડાયેલો છે. તપાસ મુજબ આ ટુર્નામેન્ટ દરમિયાન મેચોના પરિણામ અને રમતની પરિસ્થિતિને પ્રભાવિત કરવા માટે કાવતરું રચાયું હોવાની શંકા છે. આ કેસમાં ફક્ત સેર્લ્સ જ નહીં પરંતુ ટાઈટન્સ ટીમના માલિક ચિત્તરંજન રાઠોડ અને ટીમ અધિકારી ટ્રેવોન ગ્રિફિથ પણ તપાસના ઘેરામાં આવ્યા છે. ICC અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ ત્રણેયને એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘન બદલ અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા છે. જેવોન સેર્લ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમ્યો હતો. IPL 2018 દરમિયાન તેણે KKR માટે ચાર મેચ રમી હતી અને તેમાં બે વિકેટ ઝડપી હતી. સેર્લ્સ વેસ્ટ ઈન્ડિઝની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે, પરંતુ તેને સિનિયર આંતરરાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળી નહોતી.

ICC દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ત્રણેય વ્યક્તિઓ પર એન્ટી કરપ્શન કોડની વિવિધ કલમો હેઠળ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ચિત્તરંજન રાઠોડ પર ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એન્ટી કરપ્શન કોડ હેઠળ ત્રણ આરોપ છે, જ્યારે જેવોન સેર્લ્સ સામે ચાર આરોપ નોંધાયા છે. ટ્રેવોન ગ્રિફિથ પર ચાર આરોપ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એન્ટી કરપ્શન કોડ હેઠળ અને એક આરોપ ICC એન્ટી કરપ્શન કોડ હેઠળ મૂકવામાં આવ્યો છે. આ આરોપોમાં મેચ ફિક્સિંગનું કાવતરું ઘડવું, ખેલાડીઓ અથવા સપોર્ટ સ્ટાફને ભ્રષ્ટ પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવું અને એન્ટી કરપ્શન તપાસમાં સહકાર ન આપવો જેવા મુદ્દાઓ સામેલ છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સેર્લ્સ અને ગ્રિફિથે શંકાસ્પદ ઓફર અથવા સંપર્કોની માહિતી ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને આપી નહોતી, જે એન્ટી કરપ્શન નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવે છે.

આરોપોનો જવાબ આપવા 14 દિવસનો સમય

ICCએ ત્રણેય આરોપીઓને જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપ્યો છે. આ દરમિયાન એન્ટી કરપ્શન યુનિટ દ્વારા તપાસ ચાલુ રહેશે. આ કેસ પહેલાથી ચાલી રહેલી મોટી તપાસનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુનાઈટેડ સ્ટેટ્સના ક્રિકેટર એરોન જોન્સ પર પણ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ અને ICCના એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના પાંચ આરોપ લગાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top