Anand

આણંદ જિલ્લા ભાજપે સંગઠનને મજબૂત વધુ બનાવવા પૂર્વ દિગ્ગજોને જવાબદારી સોંપી

જિલ્લા ભાજપ દ્વારા ૧૫ જેટલા અનુભવી અને વરિષ્ઠ નેતાઓની ‘વિશેષ આમંત્રિત સભ્યો’ તરીકે નિમણૂંક કરી

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા સંગઠન માળખામાં નવી નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. આગામી રાજકીય ગણિત અને સંગઠનની પકડ વધુ મજબૂત કરવાના હેતુથી, જિલ્લા ભાજપ દ્વારા ૧૫ જેટલા અનુભવી અને વરિષ્ઠ નેતાઓની ‘વિશેષ આમંત્રિત સભ્યો’ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આ નિમણૂંકોમાં પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ જિલ્લા પ્રમુખોનો સમાવેશ કરીને ભાજપે અનુભવી અને સક્ષમ નેતૃત્વનો સમન્વયનો પ્રયાસ કર્યો છે.
જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં કરમસદ, આણંદ, ખંભાત અને પેટલાદ જેવા મહત્વના વિસ્તારોના દિગ્ગજોને સ્થાન અપાયું છે:
પૂર્વ સાંસદ દિલીપભાઈ મણીભાઈ પટેલ (કરમસદ) અને દીપકભાઈ ચીમનભાઈ સાથી (આણંદ) , લાલસિંહ વડોદિયા જેવા નેતાઓને સ્થાન આપીને લોકસભા સ્તરે સંગઠનનો વ્યાપ વધારવા માટે નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત સોજિત્રા, સારસા, ખંભાત અને પેટલાદના પૂર્વ ધારાસભ્યોને વિશેષ આમંત્રિત સભ્યો તરીકે જોડીને જે-તે વિધાનસભા બેઠકો પર પક્ષનો પ્રભાવ સ્થાપિત કરવાની તૈયારીઓ જણાઈ રહી છે.
પૂર્વ જિલ્લા પ્રમુખો મહેશભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલ, જયપ્રકાશ પટેલ (બબલભાઈ)ની સાથે સાથે જનસંઘ સાથે જોડાયેલા વરિષ્ઠોને પણ સંગઠનમાં સ્થાન આપી પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે.
સંજયભાઈ પટેલ (પ્રમુખ, આણંદ જિલ્લા ભાજપ) એ આ અંગે જણાવ્યું હતું કે, “આ તમામ અનુભવી નેતાઓના જોડાવાથી જિલ્લામાં ભાજપની કામગીરીમાં નવી ઉર્જા આવશે અને સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વેગ મળશે.”

Most Popular

To Top