Vadodara

વડોદરા જિલ્લા ભાજપ સંગઠન જાહેર થતા જ ભડકો, વયમર્યાદા ભૂલી જવાઈ અને બેવડા હોદ્દા અપાયા!

જનસંઘ સમયના વરિષ્ઠ નેતા નરેન્દ્રસિંહ રાઉલજીએ સોશિયલ મીડિયા પર ઠાલવી હૈયા વરાળ; અન્યાય સામે સવાલો

વડોદરા : જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત થતાની સાથે જ પક્ષમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપના પાયાના અને વરિષ્ઠ કાર્યકરોમાં નવા સંગઠનની માળખાકીય રચનાને લઈને ભારે નારાજગી અને છુપો રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પક્ષના સ્થાપિત નિયમો જેવા કે ‘એક વ્યક્તિ એક હોદ્દો’ અને ‘એક પરિવાર એક હોદ્દો’ ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપો સાથે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
નવા સંગઠનમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નેતાઓને મહત્વના હોદ્દાઓ પર રિપીટ કરવામાં આવ્યા છે, જેના કારણે યુવા અને નવા ચહેરાઓને તક ન મળી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જિલ્લા ઉપપ્રમુખ અને મંત્રીઓના પદો પર મોટાભાગે 50 થી 65 વર્ષની વયના સિનિયર નેતાઓના નામ આવતા ‘નો રિપીટ થીયરી’ ના નામે અન્યત્ર કડક નિયમો પાળતો પક્ષ અહીં કેમ નરમ પડ્યો તેવા સવાલો ઉઠી રહ્યા છે.
સૌથી વધુ વિવાદ ડેસર તાલુકાની અવગણનાને લઈને થઈ રહ્યો છે. જનસંઘના સમયથી પક્ષ સાથે જોડાયેલા વરિષ્ઠ કાર્યકર્તા નરેન્દ્રસિંહ રાઉલજીએ સોશિયલ મીડિયા પર પોતાની હૈયા વરાળ ઠાલવતા સવાલો કર્યા છે કે, ભાજપની મજબૂત વોટબેંક હોવા છતાં ડેસર તાલુકાના કાર્યકરો સાથે ઓરમાયું વર્તન કેમ? સાવલી કરતા વધુ લીડ આપતા આ વિસ્તારના એક પણ કાર્યકરને સાતેય મોરચામાં સ્થાન ન મળતા પક્ષના પાયાના કાર્યકરોમાં અન્યાયની લાગણી જન્મી છે.
​આ ઉપરાંત, બક્ષીપંચ મોરચામાં દેવજીભાઈ ઠાકોર અને તેમના પરિવારને મળેલા બહુવિધ હોદ્દાઓ તેમજ મહિલા મોરચામાં પણ જૂના જ ચહેરાઓને પ્રાધાન્ય અપાતા મહિલા કાર્યકરોમાં પણ અસંતોષ છે. કરજણ અને વાઘોડિયા પંથકના નેતાઓના અંગત માણસોને સીધા જિલ્લા મંત્રી જેવા હોદ્દા આપી દેવાયા હોવાની લોકચર્ચાએ પણ જોર પકડ્યું છે. આમ, વડોદરા જિલ્લા ભાજપનું નવું સંગઠન શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી માટે આગામી સમયમાં આંતરિક પડકારો ઉભા કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

નિયમો નેવે મુકાયા: ક્યાં ગઈ ભાજપની શિસ્ત?

​વડોદરા જિલ્લા ભાજપના નવા માળખામાં શિસ્ત અને સિદ્ધાંતોના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. એક તરફ પક્ષ ‘એક વ્યક્તિ એક હોદ્દો’ની વાતો કરે છે, તો બીજી તરફ અનેક એવા નામો સામે આવ્યા છે જેઓ બે-બે જવાબદારીઓ સંભાળી રહ્યા છે. એટલું જ નહીં, ‘એક પરિવાર બે હોદ્દા’ના કિસ્સાઓએ પણ કાર્યકરોને ચોંકાવી દીધા છે. જ્યારે સક્ષમ અને વફાદાર કાર્યકરો હોવા છતાં માનીતાઓને જ હોદ્દાની લ્હાણી કરવામાં આવતા, પક્ષના આંતરિક લોકશાહી સામે હવે સનિષ્ઠ કાર્યકરોએ જ સોશિયલ મીડિયાના માધ્યમથી મોરચો માંડ્યો છે.

Most Popular

To Top