ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર વિરોધ પ્રદર્શન; વિધાનસભામાં આંકડા વાંચતા મંત્રીના ‘થથરાટ’ બાદ શિવસેના મેદાને
વડોદરા: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મંત્રી મનીષા વકીલ દ્વારા આંકડાકીય માહિતી વાંચવામાં પડેલી મુશ્કેલી હવે રાજકીય વિવાદનું કેન્દ્ર બની છે. વડોદરામાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના વ્યસ્ત એવા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર મંત્રી વિરુદ્ધ બેનરો લગાવીને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
તાજેતરમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન મંત્રી મનીષા વકીલ એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન લેખિત માહિતીમાં રહેલા ગુજરાતી આંકડાઓ અને ઉચ્ચારણમાં તેઓ વારંવાર અટવાયા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે તેમણે આંકડા સ્પષ્ટ વાંચવા માટે અધ્યક્ષની મંજૂરી લેવી પડી હતી અને ત્યારબાદ તેઓ આગળ વધ્યા હતા. આ ઘટના ના પગલે વિપક્ષ અને અન્ય સંગઠનોને મંત્રી પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે.
વડોદરા મનીષા વકીલનું હોમટાઉન હોવાથી સ્થાનિક રાજકારણમાં આ મુદ્દો વધુ ગાજ્યો છે. એક તરફ ભાજપ આને સામાન્ય માનવીય ભૂલ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ શિવસેનાએ આક્રમક વલણ અપનાવીને મંત્રીના રાજીનામાની જીદ પકડી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
– શિવસેનાનો ‘બેનર પ્રહાર’…
વડોદરા શહેર શિવસેનાના પ્રમુખ દિપક પાલકરની આગેવાનીમાં ખંડેરાવ માર્કેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ લગાવેલા બેનરોમાં મંત્રીની ક્ષમતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. શિવસેનાનું કહેવું છે કે:
*જો રાજ્યના મંત્રી પોતાની માતૃભાષામાં આંકડા વાંચી શકતા ન હોય, તો તે હોદ્દાની ગરિમાને શોભતું નથી.
*ગુજરાતી ભાષાનું જ્ઞાન ન ધરાવતા મંત્રીએ તાત્કાલિક અસરથી પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
”જે મંત્રીને ગુજરાતીમાં આંકડા વાંચતા ન આવડતું હોય અને ગૃહમાં વારંવાર અટકવું પડતું હોય, તેઓ પ્રજાના પ્રશ્નો કેવી રીતે ઉકેલશે? આવા મંત્રીએ પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.”
— દિપક પાલકર, શહેર પ્રમુખ, શિવસેના (UBT)