SURAT

તુષાર ઘેલાણી કેસમાં વળાંક: તપાસને પ્રાથમિકતા, આરોપી જેલમાં જ રહેશે, જામીન અરજી નામંજૂર

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહી વધુ ગતિમાન બની છે. કેસમાં મુખ્ય આરોપી ગણાતી Poonam Bhadoriya દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી 3 માર્ચે કોર્ટ ફગાવી દીધી હતી. બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને હાલ જામીન પર મુક્ત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી પક્ષે જામીન અરજીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી કે આ ગંભીર સ્વરૂપનો ગુનો છે અને આરોપીને જામીન અપાય તો તપાસ પર સીધી અસર પડી શકે છે. બીજી તરફ બચાવ પક્ષે આરોપીની તરફેણમાં દલીલો કરી અને જામીન મંજૂર કરવાની અપીલ કરી હતી. પરંતુ પ્રાથમિક પુરાવા, કેસની ગંભીરતા અને ચાલી રહેલી તપાસને ધ્યાનમાં રાખીને કોર્ટે અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો.

સરકારી વકીલના જણાવ્યા મુજબ, તુષાર ઘેલાણીના આપઘાત મામલે તેમની દીકરીએ ફરિયાદ નોંધાવી છે અને પરિવાર તરફથી સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું છે. સુરતની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે તપાસ હજી પૂર્ણ નથી, તેથી આ તબક્કે જામીન આપી શકાય નહીં. સરકાર પક્ષે વધુમાં જણાવ્યું કે દીકરીના લગ્ન પ્રસંગ દરમિયાન આરોપી દ્વારા મૃતકને વારંવાર બદનામી કરવાની ધમકી અપાઈ હતી, જેના કારણે તેઓ ગંભીર માનસિક દબાણમાં આવ્યા હતા. આ દાવાને આધાર આપતા પ્રાથમિક પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હોવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટમાં દલીલ કરવામાં આવી કે આરોપી દ્વારા મૃતક પાસેથી વારંવાર દબાણ કરીને નાણાં અને મિલકતો લેવાઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. મૃતકના પિતાના ખાતામાં અંદાજે 11 લાખ રૂપિયા જમા કરાવાયા હોવાની માહિતી પણ રજૂ થઈ છે. ઉપરાંત, આરોપીની બહેન પ્રિયા પાસે રહેલા મોબાઇલમાંથી વધુ મહત્વપૂર્ણ પુરાવા મળવાની શક્યતા હોવાનું સરકારી પક્ષે જણાવ્યું હતું. સરકારી પક્ષે કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે મિત્રતા પોતે ગુનો નથી, પરંતુ આરોપીએ આ સંબંધનો ગેરલાભ લઈ આયોજનબદ્ધ રીતે આર્થિક એક્સ્ટોર્શન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોતાના અને પરિવારના નામે આર્થિક લાભ મેળવવા માટે મૃતક પર સતત દબાણ બનાવાયું હોવાના આરોપો છે.

કોર્ટમાં રજૂ થયેલી વિગતો અનુસાર, મિત્રતાના બહાને મૃતક પાસેથી અનેક કિંમતી મિલકતો પોતાના નામે કરાવી લેવાઈ હતી. ‘બ્લ્યુ પેપીલોન’ સ્કૂલમાં ભાગીદારી તેમ જ શહેરની બે મહત્વપૂર્ણ દુકાનો પણ પોતાના નામે લખાવી લેવાઈ હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સરકાર પક્ષે દલીલ કરી કે આર્થિક અને માનસિક ત્રાસના કારણે જ તુષાર ઘેલાણીએ આકરો પગલું ભર્યું હોવાની સંભાવના છે. તપાસ ચાલુ હોવાથી આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top