મિડલ ઇસ્ટ ભડકે બળી રહ્યું છે, ઇરાન -ઇઝરાઇલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિએ હવે વૈશ્વિક હવાઈ મુસાફરીને સીધી અસર કરી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે અનેક દેશોએ પોતાનું એરસ્પેસ બંધ કરવું પડ્યું છે, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લાંબા વિકલ્પ રૂટ અપનાવી રહી છે. આ બદલાવને કારણે વિદેશ જતી ફ્લાઈટોના ભાડામાં અચાનક અને ભારે વધારો નોંધાયો છે. અમેરિકા, લંડન અને કેનેડા માટેની વન-વે ટિકિટના ભાડા 3 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઈરાન પર થયેલા હુમલાઓ બાદ ખાડી દેશોના એરસ્પેસ પર મોટી અસર પડી છે. હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરલાઈન્સને ખાડી ક્ષેત્રને બાયપાસ કરીને લાંબા રૂટ લેવા પડી રહ્યા છે, જેના કારણે ઈંધણ ખર્ચ, ઓપરેશનલ ખર્ચ અને સમય વધ્યો છે. માંગ અને પુરવઠા વચ્ચે ઊભી થયેલી અસંતુલિત પરિસ્થિતિ પણ ભાડામાં વધારો થવાનું મુખ્ય કારણ બની છે.
ખાસ કરીને લંડનથી મુંબઈ વચ્ચેની સીધી ફ્લાઈટના ભાડામાં ભારે ઉછાળો આવ્યો છે. સામાન્ય પરિસ્થિતિમાં ઇકોનોમી ક્લાસનું ભાડું 20,000થી 40,000 રૂપિયા અને બિઝનેસ ક્લાસનું ભાડું સવા લાખથી અઢી લાખ રૂપિયા સુધી રહેતું હતું. પરંતુ હાલની સ્થિતિમાં ઇકોનોમી ક્લાસનું ભાડું અંદાજે ત્રણ લાખ રૂપિયા સુધી અને બિઝનેસ ક્લાસનું ભાડું આશરે નવ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. ફ્લાઈટ રદ થવાથી પણ પરિસ્થિતિ વધુ વિકટ બની છે. માત્ર એક જ દિવસે આશરે 700 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પરથી 200થી વધુ ફ્લાઈટ્સ રદ થવાની માહિતી મળી છે. એરલાઈન્સના જણાવ્યા મુજબ ભાડામાં વધારો માત્ર લાંબા રૂટને કારણે જ નહીં, પરંતુ ફ્લાઈટ રદ થવાને કારણે બેઠકોની અછત ઊભી થતાં પણ થયો છે. જાણકારો માને છે કે જો તણાવ યથાવત્ રહેશે તો આગામી કેટલાક દિવસો સુધી હવાઈ મુસાફરી મોંઘી જ રહેશે એવી શક્યતા છે. તેથી મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પ્રવાસનું અગાઉથી આયોજન કરે અને તાજા અપડેટ માટે નિયમિત રીતે એરલાઈન વેબસાઇટ્સ તપાસતા રહે.