આદિ શંકરાચાર્યજી ધર્મશાસ્ત્રના ગહન અભ્યાસુ હતા. તેઓ જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ સમ હતા. દરેક જણ પોતાના મનના પ્રશ્નો અને જિજ્ઞાસાના સમાધાન માટે તેમની પાસે દોડી આવતા. એક વાર એક જિજ્ઞાસુ ભક્તે તેમની પાસે જઈ કહ્યું, ‘‘ ભગવાન, મેં શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો છે પરંતુ મનમાં ઘણા પ્રશ્નો ઊઠે છે પણ જવાબ મળતા નથી.કૃપા કરી આપ મારા પ્રશ્નોના ઉત્તર સમજાવી મારા મનનું સમાધાન કરો.’’ શંકરાચાર્યે કહ્યું, ‘‘ પૂછો શું સમજવું છે?’’ જિજ્ઞાસુ ભક્તે પહેલો પ્રશ્ન કર્યો કે ‘‘ભગવાન દરિદ્ર કોણ છે?’’ શંકરાચાર્યજીએ કહ્યું, ‘‘જેની તૃષ્ણા અસીમિત છે, જે સદા અસંતોષી છે તે દરિદ્ર છે.’’
જિજ્ઞાસુએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘‘ ધનવાન કોણ છે?’’ શંકરાચાર્યજીએ જવાબ આપ્યો, ‘‘જે પૂર્ણ સંતોષી છે તે ધનવાન છે કારણ કે સંતોષથી મોટું કોઈ ધન નથી.’’ જિજ્ઞાસુએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ‘‘જીવિત હોવા છતાં મરેલું કોણ છે?’’ શંકરાચાર્યજીએ સમજાવ્યું કે જે વ્યક્તિ ઉદ્યમહીન છે, આળસુ છે, નિરાશ છે. જે કોઈ કાર્ય કરતો નથી તે મૃત સમાન જ છે’’. જિજ્ઞાસુએ આગળ પૂછ્યું, ‘‘સૌથી કિંમતી આભૂષણ કયું છે?’’ શંકરાચાર્યજીએ જણાવ્યું, ‘‘સાચું શુદ્ધ વિશુદ્ધ ચરિત્ર સૌથી કિંમતી આભૂષણ છે.’’ જિજ્ઞાસુએ પૂછ્યું, ‘‘પરમ પવિત્ર તીર્થ કયું છે?’’ શંકરાચાર્યજીએ જણાવ્યું, ‘‘કોઈ સ્થળ નહીં, કાશી અને મથુરા કે અન્ય કોઈ પણ નહીં પરંતુ શુદ્ધ મન પરમ તીર્થ છે.’’ જિજ્ઞાસુ આગળ પૂછે છે, ‘‘પતનનું કારણ શું છે?’’ શંકરાચાર્યજીએ એક જવાબ આપ્યો, ‘‘ આસક્તિ- સ્ત્રી, સુવર્ણ, ધનની કામના પતનનું કારણ છે.’’
જિજ્ઞાસુએ પૂછ્યું, ‘‘ બ્રહ્મપ્રાપ્તિ કઈ રીતે થાય?’’ શંકરાચાર્યજીએ કહ્યું, ‘સત્સંગ-દાન-સદ્વિચાર અને સંતોષ દ્વારા બ્રહ્મપ્રાપ્તિ સરળ બને છે.’’ આગળ જિજ્ઞાસુએ પૂછ્યું, ‘‘સાચો સંત કોણ છે?’’ શંકરાચાર્યજીએ જવાબ આપ્યો, ‘‘ જે બધી જ લાલસાથી પર છે. પરમ વિતરાગી છે. મોહરહિત છે. બ્રહ્મમાં પ્રેમ ધરાવે છે તે વ્યક્તિ સાચો સંત છે.’’ જિજ્ઞાસુએ પૂછ્યું, ‘‘સૌથી મોટી બીમારી કઈ છે?’’ શંકરાચાર્યજીએ કહ્યું, ‘‘ચિંતા સૌથી મોટી બીમારી છે.’’ જિજ્ઞાસુએ પૂછ્યું, ‘‘જીવન જગતને જીતવા માટે શું કરવું જોઈએ?’’ શંકરાચાર્યજીએ જવાબ આપ્યો, ‘‘સૌથી પહેલાં મનને જીતો. જે મનને જીતી લે છે તે જીવન અને જગતને જીતી શકે છે.’’ આ પ્રશ્નો સમજવા જેવા છે અને તેના જવાબ જાણવા જેવા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.