Comments

કક્કો મારો શિવને બારાખડી મારી શક્તિ!

કક્કાવારી તો સમજ્યા, બારાખડીની વાત આવે ને, આજે પણ મને કારણ વગરની ધ્રુજારી છૂટે..! મને હજી પણ યાદ છે કે, જેટલા શિક્ષક બદલાય એટલી વખત મને ક જુદી જુદી રીતે શીખવા મળેલો. કોઈએ કલમનો ક શીખવેલો, કોઈએ કમળનો ક શીખવેલો તો કોઇએ ગણપતિના ગ ને બદલે ગધેડાનો ગ શીખવેલો..! ગુંચવાઈ જતો યાર..? ગુજરાતી ભાષાનો આ વૈભવ છે. અક્ષરથી અક્ષર મળે તો શબ્દ બને, શબ્દથી શબ્દ મળે તો વાક્ય બને, વાક્યથી વાક્ય મળે તો પાનું બને, પાનાથી પાનું મળે તો પુસ્તક બને, પુસ્તકથી પુસ્તક મળે તો પુસ્તકાલય બને, પુસ્તકાલયથી પુસ્તકાલય મળે, તો ભાષાનો વૈભવ બને અને એમાંથી એક ઉદ્યમી-સંસ્કારી ગુજરાતી ઊભો થાય..!

ફેબ્રુઆરી મહિનો એટલે, આમ તો પ્રેમલા-પ્રેમલીના વિવિધ Days ની ઉજવણીનો મહિનો..! પણ ચંબલની ખીણના ખૂંખાર અડ્ડામાં કોઈ સાચો તપસ્વી ઘુસી ગયો હોય એમ, ૨૧ મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ પણ એમાં આવી ગયો. (હવે એવું પૂછીને મગજનું દહીં નહિ કરતા કે, એને પિતૃભાષા કેમ કહેવામાં નથી આવતું..?) જો કે, ચમનિયાના ચંપુએ આવો સવાલ પૂછેલો, ત્યારે ચમનિયો બેબસ બની ગયેલો. પણ જ્યાં નહિ પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ચમનિયા જેવો અનુભવી..! સડેલો જોક સંભળાવીને કહેલું કે, “જે ભાષાનો ઉપયોગ જે લોકો વધારેમાં વધારે કરે, એના નામે એ ભાષા ઓળખાય..! પિતા ‘ન બોલ્યામાં નવ ગુણ માને’ અને મા ‘બોલે તેના જ બોર વેચાય’ એવું સમજે..! એના કપાળમાં કાંદા ફોડું, આ તો એક વાત થાય છે..!

પિતાનો સ્વભાવ સંયમ જાળવવાનો ને માતાનો સ્વભાવ સહનશીલતા દાખવવાનો. ક્યાંક ક્યાંક મા બોલતી હોય તો, બાપાને બોલવાની જગ્યા પણ ના મળતી હોય, એવું પણ બને..! પછી તો જેવું જેવું જોડું..! જો કે, આ વાત સાથે હું પણ સંમત તો નથી જ..! પણ ‘ચાલતી કા નામ ચાલણગાડી..! કોણ ડખા કરે..? કહેવાય છે કે, “ચા બગડી એની સવાર બગડી, દાળ બગડી એનો દહાડો બગડ્યો, અથાણું બગડ્યું એનું વર્ષ બગડ્યું ને, વાઈફ બગડી એની….! ( આગળ થોડુંક તો તમે બોલવા લાગો..! બધું મારે જ બોલવાનું..? જીવદયા જેવું છે કે નહિ..? ), ૨૧ મી ફેબ્રુઆરીએ, મારા શું ભોગ લાગ્યા કે શૈલી, મરઘા કરતાં પણ સવારમાં વહેલી ઊઠી..! એનો પણ વાંધો નહિ પણ, ઘોર નિદ્રામાં તન્મય બનેલા આ બંદાને જોઇને, મરઘાને બદલે એ ‘કૂઉઉઉક રે કૂઉઉઉક’કરવા લાગી. મરઘાનો અવાજ તો કર્ણપ્રિય પણ લાગે, ત્યારે શૈલી તો સીધી ત્રાટકી..!

 “બસ..! તમારે તો પથારીમાં પડીને ઘોરવાનું જ કામ કરવાનું..! એમ નહિ કે, આજે વિશ્વ માતૃભાષાનો દિવસ છે, તો લાવ ઊઠીને કલાપી, ઉમાશંકર, શયદા, પીતાંબર, પેટલીકર કે રમેશ ચાંપાનેરીનાં ચોપડા કાઢી અક્ષરજ્ઞાન પામું…! બસ, સાવ ઢ ના ઢ જ રહેવાનું..!” એના કપાળમાં કાંદા ફોડું એક જ શ્વાસમાં એટલું બધું બોલી ગઈ કે, ચચરી આવ્યું બોસ..! ઊઠવાનું એલારામ વાગે તે પહેલાં પથારીમાંથી ઊભો થઇ ગયો. સરસ્વતીના સ્વરૂપમાંથી કઈ ઘડીએ શૈલી મહાકાળી માતાના સ્વરૂપમાં આવી જાય એની કોઈ ગેરંટી નહિ.

બાકી, રોમેન્ટિક મૂડમાં હોય તો જનરલી એ મને ‘રમેશ’ને બદલે ‘રમૂ’કહીને જ બોલાવે, પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉઘડતી સવારે એણે મને ‘કુંભકર્ણ’ કહ્યો.! મારી બીજી ક્ષતિ એટલી જ હતી કે, વહેલા ઊઠીને શ્વાસના ફૂંફાડા મારવાનું ચૂકી ગયેલો. કોઈને ખબર ના હોય તો કહી દઉં કે, પતિ ગુસ્સે થાય તો એકાંત શોધે ને પત્ની ગુસ્સે થાય તો પતિને શોધે..! ‘સ્કાયલેબ’ની જેમ તૂટી પડી. ધણીની ધૂળ ખંખેરવી હોય તો, ‘પોચા-પોચા’ શબ્દમાં પણ ખંખેરાય..! પણ સિંહણની માફક એવી તાડૂકી કે, પડોશમાં રહેતી પદ્માબાઈની અભરાઈએ ચઢેલાં વાસણો પણ એની ત્રાહ્યમાં નીચે ખંખેરાઈ ગયાં ને પદ્માબાઈની ઊંઘ ઊડી તે અલગ..!

પાડોશણ પદ્માબાઈ એટલે કુંવારી પ્રોદ્ધા..! અમારા લત્તાની મંગેશકર ખરી, પણ પ્રભાતિયાં ગાવાનું નહિ ફાવે. એટલે જાગી ગયાનો નિર્દેશ કરાવવા માટે, ફિલ્લમનું ગીત લલકારવા માંડી. તેલના ખાલી ડબ્બામાં કોઈ ડંગોરો ફેરવતો હોય એવો તો એનો અવાજ..! સિચ્યુએશન એવી બની કે, એક બાજુ શૈલીનું ત્રાટકવું, ને બીજી બાજુ પદ્માબાઈનું ગાવું, બધું એકરસ થઇ ગયું….! સાલું કંસારનું તો ઠીક, મારા સંસારનું ભડકું થઇ ગયું..! કારણ કે, ગીતના શબ્દો એવા કાઢ્યા કે, જાણે મારા માટે જીવદયા ઉપર ના ઊતરી આવી હોય..?

 કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે, મેરા દર ખુલા હૈ ખુલા હી રહેગા શૈલીએ આ સાંભળ્યું ને, જે ઘટના ઘટી છે, એનું હું બયાન કરવા અસમર્થ છું..! કસ્સમથી કહું, પદ્માબાઈ સાથે મારે બારાખડીનાં એકેય અક્ષરનો સંબંધ નહિ. પણ શૈલીના ભેજામાં એવો કુમળો ધુમાડો ભરાઈ ગયો, કે ધીરે રહીને ભડકો થયો..! પછી તો એવા એવા શબ્દોનો મારો શરૂ થયો કે એકેય શબ્દ શબ્દકોશમાં શોધેલો નહિ જડે. કક્કાવારી, બારાખડી કે શબ્દકોશ સાથે જેને કોઈ સ્નાન-સૂતકનો સંબંધ ના હોય, એવા શબ્દો પ્રસવ થયા..! મારી કારણ વગર ધોલાઈ થઇ..! ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી ઉઘડતી સવારે મારા ઘરથી જ શરૂ થઇ..!આટલી વાત પછી, તમને અંદાજ તો આવ્યો હશે કે, ગુજરાતી ભાષાને પિતૃભાષા કેમ કહેવામાં આવતી નથી..! બોલવું એ ભાષાનું પ્રગટ સ્વરૂપ છે..! ભઈઈઈઈઈ..?

 ફેબ્રુઆરી ભલે અધૂરા માસે અવતરેલા બાળક જેવો હોય, પણ ૨૧મી ફેબ્રુઆરી આવે એટલે, દુનિયાભરનાં લોકો પોતાની માતૃભાષાનું સ્મરણ અને ચિંતન કરે. કવિઓ, સાહિત્યકારો, હાસ્યકારો, શાયરો બધા એ દિવસે સૌના ભેજામાં લટાર મારવા નીકળે. ભાષા માણસને હસાવી શકે, રડાવી શકે, પ્રેરણા આપી શકે અને હાસ્યકારો શબ્દો સાથે સંગીતખુરશી રમીને વાચકને હળવી મજા કરાવે. એમાં ભક્તિ, શૃંગાર, વીર, જ્ઞાન, હાસ્ય, સામાજિક અને વિચારરસ જેવા વિવિધ રસોનું મેળવણ છે. આદિકવિ નરસિંહ મહેતા, મીરાંબાઈ, દયારામ વગેરેએ ભક્તિરસનાં પાન કરાવ્યાં. પ્રેમાનંદ, નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરેએ સામાજિક જીવનનું ચિત્રણ બતાવ્યું. એમ દરેક લેખકોએ સાંપ્રત જીવનને અનુરૂપ માતૃભાષાને બાગબાન બનાવ્યું છે. કોઈએ સાચું જ કહ્યું છે કે,

 શબ્દ તારે છે, શબ્દ મારે છે અને શબ્દ ડુબાડે છે
 શબ્દ માથું અપાવે છે અને શબ્દ માથું કપાવે છે
 શબ્દોનો સથવારો અમૃત પણ છે ને વિષ પણ છે
 શબ્દ સાધના છે તો શબ્દ એક વાસના પણ છે
 જેમ પ્રદેશે પ્રદેશે ભગવાનનાં નામ અલગ એમ પ્રાંતે પ્રાંતે કક્કાવારી ને બારાખડી એક જ, પણ બોલી અલગ…! કહેવાય છે ને કે, બાર ગાઉએ બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ના બદલે લાખા…!

લાસ્ટ બોલ
કુંવારી છોકરી નીચે ઊભી છે એનું એક શબ્દની અંદર અંગ્રેજી કરો
Miss Under standing
કેવી રીતે..?
Miss એટલે કુંવારી છોકરી.! Under એટલે નીચે.! અને… Standing એટલે ઊભી છે!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top