SURAT

સાધુના વેશમાં છેતરપિંડીનો ખેલ

સુરત ક્રાઈમ બ્રાન્ચે 8.71 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપ્યા

સુરત શહેરમાં સાધુનો વેશ ધારણ કરી નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતી એક ચતુર ગેંગનો ભાંડો ફોડી નાખતા સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા હાંસલ કરી છે. સુરત ના કોસમાડા કેનાલ રોડ પાસે થી પોલીસે બે શખ્સોને ઝડપી પાડી તેમના કબજામાંથી કુલ રૂ. 8,71,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત થયેલ માલમાં સોનાની ચેન, વીંટી, રુદ્રાક્ષ માળા, રોકડ રકમ અને એક ફોરવ્હીલર વાહનનો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપીઓમાં રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી અને તેનો સાગરીત અશોકકુમાર ચૌધરીનો સમાવેશ થાય છે. બંને કપડવંજથી ફોરવ્હીલર કારમાં નીકળી અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં ફરતા અને ધાર્મિક સ્થળોની આસપાસ રેકી કરતા હતા. રાજેશ નાથ સાધુનો વેશ ધારણ કરી ભોળા ભક્તોને વાતોમાં ફસાવતો, જ્યારે અશોકકુમાર વાહન ચલાવી આસપાસ નજર રાખતો.

તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ તેમની ગાડીમાં પોલીસ લખેલી નકલી નંબર પ્લેટ પણ રાખતા હતા જેથી લોકોમાં ભરોસો ઉભો થાય. તેઓ બજાર અથવા મંદિર પાસે લોકોને આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને અટકાવતા અને પછી જ્યોતિષીય ભાષામાં સામાન્ય પરંતુ અસરકારક વાતો કરી ભય કે લાલચ ઊભો કરતા. “ઘરમાં અનિષ્ટ છે”, “દાગીના પર નકારાત્મક અસર છે” જેવા શબ્દો બોલી તેઓ લોકોને પહેરેલા દાગીના ઉતરાવવા પ્રેરતા અને પલભરમાં ફરાર થઈ જતા.

પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સામે વિવિધ શહેરો અને રાજ્યોમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ હાથ ધરી અન્ય સંડોવાયેલા તત્વોની શોધખોળ કરી રહી છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં આવી કિંમતી દાગીના કે રોકડ ન આપવી અને શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.

Most Popular

To Top