40% કે તેથી વધુ દિવ્યાંગ પરીક્ષાર્થીને પ્રતિ કલાક 20 મિનિટ વધારાનો સમય
સાદુ કેલ્ક્યુલેટર અને મેગ્નિફાઇંગ ગ્લાસ માટે બોર્ડની મંજૂરી
(પ્રતિનિધિ) વડોદરા | તા. 02
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ગુજકેટ (GUJCET)ની પરીક્ષા અલગથી યોજાશે. આ પરીક્ષામાં દિવ્યાંગ અને વિકલાંગ વિદ્યાર્થીઓને વધારાની છૂટછાટ આપવા અંગે બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના લાગુ પડતા નિયમો અને પરિપત્રોના આધારે બોર્ડે જાહેર કર્યું છે કે, 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા પરીક્ષાર્થીઓને પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટનો સમય ફાળવવામાં આવશે. એટલે કે,
1 કલાકના પેપર માટે વધારાની 20 મિનિટ
2 કલાકના પેપર માટે વધારાની 40 મિનિટ
3 કલાકના પેપર માટે વધારાની 60 મિનિટ
આમ, પરીક્ષાર્થીઓને અનુકૂળતા મુજબ સમય આપવામાં આવશે.
બોર્ડે વધુમાં જણાવ્યું છે કે, દિવ્યાંગ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રના ભોંય તળિયા (ગ્રાઉન્ડ ફ્લોર) પર રાખવાની રહેશે. આવા બિલ્ડિંગમાં રેમ્પ, વ્હીલચેર જેવી સુવિધાઓ ફરજિયાત ઉપલબ્ધ રાખવાની રહેશે.
આ ઉપરાંત, 40 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અથવા 40 ટકા કે તેથી ઓછું વિઝન ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સાદુ કેલ્ક્યુલેટર સાથે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે.
જોકે, આ તમામ વધારાની સુવિધાઓ મેળવવા માટે સંબંધિત પરીક્ષાર્થીએ સક્ષમ ઓથોરિટી પાસેથી દિવ્યાંગતા/વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવી જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂ કરવું ફરજિયાત રહેશે. પ્રમાણપત્ર ચકાસણી બાદ જ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.