SURAT

ટર્મ પૂરી થવા આરે, સુરત મનપામાં બદલીનો તખ્તો તૈયાર, 1–2 દિવસમાં નિર્ણયની શક્યતા

સુરત મહાનગરપાલિકામાં મોટા પાયે વહીવટી ફેરફારોના સંકેતો મળી રહ્યા છે. મનપા કમિશનર એમ. નાગરાજન અને શાસકો વચ્ચે આઈ ટ્રિપલ સી ખાતે યોજાયેલી લાંબી મેરેથોન બેઠક બાદ કમિશનર સ્તરે બદલીઓનો તખ્તો તૈયાર થયો હોવાની ચર્ચા જોર પકડી રહી છે. આગામી 1–2 દિવસમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર ગણેશવાલા સામેના એસીબી પ્રકરણ પછી ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયેલા કાર્યપાલક ઇજનેરોને સાઈડલાઈન કરવાની તૈયારી કમિશનર કક્ષાએ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દ્વારા પણ કડક પગલાં લેવા સૂચન કરાયું હોવાનું કહેવાય છે.

ઉચ્ચ અધિકારીઓની અછત વચ્ચે વિભાગીય વડાઓ માટે વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. એક મહિલા સહિત 3 કાર્યપાલક ઇજનેરોને ઇન્ચાર્જ સિટી ઇજનેર તરીકે વધારાનો ચાર્જ સોંપવાની શક્યતા છે. સાથે જ, કેટલાક ઝોનમાં કાર્યપાલક ઇજનેરોની ખસેડણી થવાની ચર્ચા છે. અત્યાર સુધી ઝોનમાં પોસ્ટિંગ ન મળેલા 2 કાર્યપાલક ઇજનેરોને ઝોનલ જવાબદારી આપવાની તૈયારી પણ ચાલી રહી છે. બીજી તરફ, ફાઇનાન્સ સિવાય કોઈ મોટી જવાબદારી કે ઝોન ન આપવાની શરતે રાજીનામું પરત લેનાર ડેપ્યુટી ઇજનેર સ્વાતિ દેસાઈને ઉધના ઝોનમાંથી રિલીવ કરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ તમામ બદલાવોથી મનપાના વહીવટી તંત્રમાં આવનારા દિવસોમાં રાજકીય અને પ્રશાસકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.

Most Popular

To Top