પાંચ ધારાસભ્યોની આક્રમક વ્યૂહરચના નિષ્ફળ; સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ સામે વિરોધીઓના મનસૂબા પર ફેરવાયું પાણી
વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી બરોડા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ ગણાતા દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામા પાદરા ઝોનમાંથી બિનહરીફ જાહેર થયા છે. આ સફળતા બાદ આજે બરોડા ડેરી ખાતે બિનહરીફ થયેલા ઉમેદવારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
બરોડા ડેરીનો વહીવટ હસ્તગત કરવા માટે જિલ્લાના પાંચ ધારાસભ્યોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ખાસ કરીને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વિશ્વાસુ અને વિવાદોમાં રહેલા ભાસ્કર પટેલ દ્વારા દીનુ મામા સામે મોરચો માંડવામાં આવ્યો હતો. જોકે, દીનુ મામાની બિનહરીફ વરણી થતા વિરોધી છાવણીમાં સોપો પડી ગયો છે. આ ઘટનાને રાજકીય વર્તુળોમાં “સામી હોળીએ હૈયા હોળી” સમાન ગણવામાં આવી રહી છે.
દીનુ મામાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે અગાઉ જ ભવિષ્યવાણી કરી હતી કે છ બેઠકો બિનહરીફ થશે, જે આજે સાચી પડી છે. દીનુ મામા ઉપરાંત જી.બી. સોલંકી, સંગ્રામસિંહ રાઠવા, રાજુ અલવા અને કૃપાલસિંહ રાવલજી પણ બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
પોતાની જીત અંગે પ્રતિક્રિયા આપતા દીનુ મામાએ જણાવ્યું કે, “અમે કુદરત ભરોસે ચાલીએ છીએ અને ઉપરવાળાએ વિરોધીઓની મુરાદ પૂરી થવા દીધી નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે પાદરા તાલુકાના સરપંચો, બજાર સમિતિના ડિરેક્ટરો અને પશુપાલકો તેમની સાથે છે, જેના કારણે તેમનું મનોબળ ક્યારેય તૂટ્યું નથી.
નોંધનીય છે કે બરોડા ડેરી વડોદરા જિલ્લાના હજારો પશુપાલકો અને ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. વર્તમાન અધ્યક્ષ દીનુ મામાના માર્ગદર્શન હેઠળ પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બિનહરીફ વરણી બાદ હવે ડેરીના વહીવટમાં દીનુ મામાની પકડ વધુ મજબૂત બની છે.